અમદાવાદ:શહેરમાં એક તરફ પોલીસ તંત્ર દ્વારા આખી આખી રાત નાઈટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક સામાન્ય લોકોને ઊભા રાખીને ગાડીના કાગળ હેલ્મેટ PUC લાઇસન્સ સહિતના દસ્તાવેજો માગીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ બેફામ રીતે આ જ શહેરમાં નશાની હાલતમાં ઘણા વાહન ચાલકો સામાન્ય લોકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. ત્યારે આવી જ ઘટના ગત રોજ રાત્રિ દરમિયાન દહેગામથી નરોડાના રોડ પર બની છે.
નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત:અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ વધતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક બેઠક બોલાવી અમદાવાદ પોલીસને ક્રાઈમ કંટ્રોલમાં લેવા માટે ટકોર કરવામાં આવી હતી. ત્યારથી જ શહેર પોલીસ દ્વારા ACP, DCP સહિતના અધિકારીઓ દ્વારા નાઈટ કોમ્બિંગ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરની અંદર શાંતિ બની રહે અને શહેરના નાગરિકો સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ કામ કરી રહી છે. પરંતુ બીજી બાજુ જાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર ગાડી ચલાવી 2 વ્યક્તિનો ભોગ લીધાની ઘટના ગતરોજ રવિવારે મોડી રાત્રે બની હતી.
આમ બની હતી સમગ્ર ઘટના:સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગત રાત્રિ દરમિયાન દહેગામથી નરોડા હાઇવે પર કાર ડિવાઇડર કુદાવીને રોંગ સાઈડમાં જતી રહી હતી. ત્યારે સામેથી ACTIVAમાં 2 યુવકો સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને થોડીક જ ક્ષણોમાં ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. અકસ્માત સર્જનારો આરોપી ડ્રાઇવર ખુદ નશાની હાલતમાં ધૂત હતો.