ડીસામાં TP સ્કીમ લાવવા ખેડૂતોની માંગ (ETV Bharat Reporter) બનાસકાંઠા : ડીસા નગરપાલિકા વિસ્તારના પાલનપુર હાઇવેથી TP સ્કીમ મંજૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. દરખાસ્ત બે વખત નામંજૂર થયા બાદ ખેડૂતોની માંગણીને લઈને ગત પાલિકાના બોર્ડમાં ફરી દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોએ વિરોધ કરતા બોર્ડમાં ચર્ચા ન થઈ. ત્યારબાદ બીજી બેઠકમાં કમિટી સભ્યો ગેરહાજર રહેતા બેઠક મુલતવી રાખવી પડી હતી.
TP સ્કીમનો વિવાદ :હવે અંતે TP વિસ્તારમાં આવતા ખેડૂતો ડીસા નગરપાલિકા પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને આવેદનપત્ર આપી TP સ્કીમ મંજૂર કરવા માંગ કરી હતી. ત્યારબાદ નાયબ કલેકટર અને ધારાસભ્યને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું.
આ બાબતે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના બે જૂથ છે અગાઉ TP રદ કરાવવા આવ્યા હતા. હવે ખેડૂતો મંજૂરી માટે આવ્યા છે. જેથી સાચા ખેડૂતો કોણ છે તે અંગે ફરી તપાસ કરી આગામી મિટિંગમાં નિર્ણય લઈશું. જોકે ખેડૂતોએ રજૂઆત કરાઈ હતી કે, ટીપી સ્કીમના કારણે ડીસામાં વિકાસ થશે.
ખેડૂતોની માંગ :આ બાબતે ખેડૂત દિનેશ માળીએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમથી અમને પહોળા રોડ, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણીની સુવિધા મળશે, સાથે ડીસાનો વિકાસ પણ થશે. માટે રાજકીય વિવાદો અને જશ ખાટવા કરતા ટીપી મંજૂર કરાવવા બધા નેતાઓ એક થવું જોઈએ.
શા માટે નામંજૂર થઈ ?આ બાબતે ડીસા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમ બેઠકમાં લેવામાં આવી, પરંતુ બેઠક મુલતવી રહેતા મંજૂર કરી નથી. એક ખેડૂતોનું જૂથ ટીપી રદ કરાવવા આવ્યું હતું, ત્યારે આજે એક ખેડૂતોનું જૂથ આવ્યું તેમની માંગણી ટીપી રાખવાની છે. સર્વે નંબર જોતા આ ખેડૂતો સાચા છે. જેથી આગામી બેઠકમાં ટીપી મંજૂર થાય તેવા તમામ પ્રયાસ કરીશું.
- બનાસકાંઠામાં 33 જેટલા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી
- બનાસકાંઠામાં શિક્ષકની નોકરી, પણ રહેવાનું કેનેડામાં : નવા ખુલાસા