જૂનાગઢ:હોળીના દિવસે સામાન્ય રીતે હોલિકાના દર્શન કરવાની વિશેષ પરંપરા જોવા મળતી હોય છે. પરંતુ વેરાવળમાં હોળીના દિવસે ભૈરવનાથ દાદાના દર્શન અને તેનું પુજન કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે. સમસ્ત વેરાવળ ભોઈ સમાજ દ્વારા પાછલા ઘણા વર્ષોથી હોળીના દિવસે શિવના અંશ સમાન ભૈરવનાથ દાદાની વિશાળ પ્રતિમાનુ સ્થાપન કરવામાં આવે છે. 350 વર્ષ ભોઈ સમાજના પૂવર્જો દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી.
એક મહિનાની મહેનતથી બને છે પ્રતિમા:
એક મહિના સુધી સ્વયંસેવકો દ્વારા ખાસ હોળીના તહેવારને ધ્યાને રાખીને ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવાના કામમાં વ્યસ્ત બની જતા હોય છે. એક મહિનાની મહેનત બાદ હોળીની આગલી રાત્રે ભૈરવનાથ દાદાની વિશાળ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. ભૈરવનાથ દાદાની 30 ફૂટની વિશાળ પ્રતિમા તૈયાર કરવા માટે પથ્થર માટી વાંસ કાગળ વનસ્પતિના પાન અને ખડનો ઉપયોગ કરીને આ પ્રતિમાનું નિર્માણ થાય છે. જેને ઇકોફ્રેન્ડલી પ્રતિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના હોળીના દિવસે દર્શન કરીને લોકો પોતાની જાતને ધન્ય માને છે.
ભૈરવ દાદાને લઈ લોકોમાં વિશેષ શ્રદ્ધા:
શિવ પુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ ભૈરવનાથ દાદા મહાદેવના સ્વરૂપ અને તેના અંશ સમાન માનવામાં આવે છે. જેને કારણે જ ભૈરવનાથ દાદાની પૂજા અને દર્શનમાં કોઈ વિશેષ મર્યાદા રાખવામાં આવતા નથી. શિવના અંશ સમાન કાળભૈરવ દાદાને કળિયુગના દેવ તરીકે પણ પુજવવામાં આવે છે. ભૈરવનાથ દાદાની વિશેષ કૃપા દર્શન કરવાથી પ્રાપ્ત થતી હોય છે. જેથી સોમનાથની સાથે આસપાસના જિલ્લાઓના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હોળીના દિવસે વેરાવળ ભોઈ સમાજ દ્વારા સ્થાપિત ભૈરવનાથ દાદાના દર્શન કરવા માટે અચૂક આવે છે.
- સુરતના ઓલપાડમાં હોળી દહન બાદ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા - Walking On Burning Embers In Holi
- ગાંધીનગરના પાલજમાં હોલિકા દહનની સાથે જ ચોમાસાનો વરતારો, અંબાલાલ પટેલે કરી મોટી ભવિષ્યવાણી - Holi 2024