વાપી-દમણ: સેલવાસથી લઈને દમણના દરિયા સુધી વહેતી દમણ ગંગા નદી વાપીમાંથી પસાર થાય છે. એ જ નદી આગળ જતા દમણના દરિયાને મળે છે અને વાપી ઔદ્યોગિક કંપનીના સીએટીપીનું રિસાયકલ કરેલું પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે અનેક વખત દમણ ગંગા નદીનો રંગ બદલાઈ જતો હોય છે. ત્યારે દમણમાં બે દિવસ પહેલા પાણીનો રંગ બદલાઈ જતા સાંસદ ઉમેષ પટેલે વાપીના સીટીપી આઉટલેટ પાસેથી પાણીના સેમ્પલો તપાસ સાથે મોકલ્યા છે. એટલું જ નહીં દમણના પણ કેટલાક વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઈને મુંબઈની લેબોરેટરીમાં સેમ્પલો મોકલાવ્યા છે.
સાડા ત્રણ હજાર કંપનીનું પાણી સીટીપી મારફતે દમણગંગા નદીમાં ઠલવાય છે
વાપીમાં આવેલી મોટામાં મોટી ઔદ્યોગિક કંપનીઓનું પાણી CATPમાં લાવ્યા બાદ રિસાયકલ કરી દમણ ગંગા નદીમાં ઠાલવવામાં આવતું હોવાનું કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે સીએટીપીના આઉટલેટ પાસે વિવિધ રંગો વાળું પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તે જોતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. દમણના સાંસદ ઉમેશ પટેલ દ્વારા વાપીના સીઈટીપી આઉટલેટ પાસે તેમજ કાચી ગામ બ્રિજ નજીક અને પાતળિયા પાસેથી વહેતી નદીના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. તેમણે દમણ ગંગા નદી કિનારે આવેલા વાપી નજીકના નામધા પાસેના કચરાના ડમ્પીંગ સાઈટની પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું છે કે, નદીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને રંગ બદલાઈ રહ્યો છે તે જોતાં નદીમાં કેમિકલ છોડાઈ રહ્યું હોવાનું તેમણે દાવો કર્યો છે.
સેમ્પલમાં કેમિકલ આવશે તો સમગ્ર મુદ્દો પાર્લામેન્ટમાં લઈ જવાશે
સાંસદ ઉમેષ પટેલે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જે રીતે સેમ્પલો લઈને મુંબઈની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, એના રિપોર્ટમાં જો કોઈપણ સેમ્પલોમાં કેમિકલ આવશે. તો આગામી સમયમાં આ સમગ્ર મુદ્દો તેઓ દિલ્હી પાર્લામેન્ટમાં લઈ જશે અને નદીમાં કેમિકલ છોડનારી કોઈપણ કંપની હોય તો તે તમામ કંપનીઓ સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરતા ખચકાશે નહીં.