પોરબંદરઃ આજે કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર-૧ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં 48મા સ્થાપના દિવસની ગરિમામય ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોસ્ટગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કોસ્ટગાર્ડ કેવી રીતે કાર્ય કરે છે તેનું ઓડિયો વિઝ્યૂઅલ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.
વીરતા અને શૌર્ય ભરી ફરજપરસ્તીઃ આ પ્રસંગે રાજ્યપાલે પ્રાસંગિક ઉદ્દબોધન પણ કર્યુ હતું. જેમાં તેમણે કોસ્ટગાર્ડની ડ્યૂટીને વીરતા અને શોર્ય પૂર્વકની ગણાવી હતી. કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે. ભારતીય તટ રક્ષકોએ દેશમાં ઘુસાડવામાં આવી રહેલું કરોડોનું ડ્રગ્સ પકડ્યું છે. ભારતની યુવા પેઢી માટે નુકસાનકારક આ ડ્રગ્સ પકડીને કોસ્ટગાર્ડે રાષ્ટ્રની સેવા કરી હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. એ જ રીતે સમુદ્રમાં ફસાયેલા કોઈપણ નાગરિકને બચાવવા, સલામત બહાર લાવવાનું બેજોડ કાર્ય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે. બીપોરજોય વાવાઝોડા અને અન્ય કુદરતી આફતો વખતે કોસ્ટગાર્ડના જવાનોએ રાત-દિવસ સેવા કાર્ય કર્યું હોવાની માહિતી રાજ્યપાલે આપી હતી.
કાર્યક્રમની વિશેષ ઝલકઃ કોસ્ટગાર્ડના ૪૮ મા સ્થાપના દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં કેક કાપી હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ પરિવારના બાળકો-વિદ્યાર્થીઓએ દેશભક્તિ સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. નેહા કુમારીએ રેતી ચિત્ર દ્વારા કોસ્ટગાર્ડનું સામર્થ્ય અને ગૌરવ પ્રસ્તુત કર્યું હતું. કોસ્ટગાર્ડના અધિકારીએ ગિટાર સાથે રાષ્ટ્રભક્તિનું ગીત પ્રસ્તુત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયો હતો.