ગાંધીનગર : સરકારી મિલકતો પરથી 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે. ફ્લાઈંગ સ્કવોડ દ્વારા રાજ્યભરમાંથી રોકડ, દારૂ, સોનુંચાંદી અને ચરસ સહિતની રૂ.42.62 કરોડની વસ્તુઓની અટકાયત થઇ છે.
મતદારયાદીમાં નામ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. મતદારોને EPIC કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. નવા ઓળખકાર્ડ-EPIC માટે અરજી કરનારા મતદારોને સમયસર EPIC કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
EPIC કાર્ડ ન હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે. પરંતુ, આ માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ છે..પી ભારતી મુખ્ય નિર્વાચન અધિકારી
ચૂંટણી પંચની કાર્યવાહી : તેમણે માહિતી આપી હતી કે તા.16/03/2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.
ડ્રાય ડે જાહેર કરવા સૂચનાઓ : લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-135(C) હેઠળ મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂ થવાના નિર્ધારિત કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના સમગ્ર વિસ્તારમાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતા 48 કલાકનો સમય અને મતગણતરીનો દિવસ એટલે કે તા.04/06/2024ના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા નશાબંધી અને આબકારી નિયામકશ્રીને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ: લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોડ દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.16 કરોડ રોકડ, રૂ. 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, રૂ.14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
- ' તમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા આજે ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું ': પ્રેરક અપીલ કરતાં પી ભારતી
- Ahmedabad News: ઈવીએમ ડેમોસ્ટ્રેશન કરશે 40 ચૂંટણી રથ, મુખ્ય ચૂંટણી અધિકારીએ કરાવ્યું ફ્લેગ ઓફ