છોટાઉદેપુરના બારી મહુડા ગામની કફોડી સ્થિતિ છોટાઉદેપુરઃ ઉનાળાની શરુઆતથી જ છોટાઉદેપુરના અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે. આ સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર છે. આ જિલ્લાના નસવાડીના ડુંગરાળ વિસ્તારો જે નર્મદા નદી કિનારે આવેલા છે તેમાં પણ દર ઉનાળામાં પીવાના પાણી માટે સ્થાનિકો પરેશાન થતા હોય છે. લોકો તો ઠીક ઢોર ઢાંખરને પણ પીવાનું પાણી ઉપલબ્ધ નથી.
ડુંગર વિસ્તારના ગામોમાં વિકટ સમસ્યાઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું બારી મહુડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે. આ બારી મહુડા ગામના નિશાળ ફળિયું અને ઉચલા ફળિયામાં અંદાજિત 50 પરિવારો રહે છે. જેમાં અંદાજિત 200થી વધુ લોકો રહે છે. આ ફળિયામાં બોર અને હેડ પંપ છે પરંતુ બંધ હાલતમાં છે, નદી અને કોતરોના પાણી પણ સુકાઈ ગયા છે. જેના લીધે સ્થાનિકો અને ઢોર ઢાંખરને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.
જીવના જોખમે મેળવે છે પાણીઃ બારી ફળિયામાં 15 ફૂટ જેટલો ઊંડો એક કુવો છે. સ્થાનિક મહીલાઓ કુવામાં જીવનાં જોખમે પાણી કાઢીને ભરી રહી છે. કુવાનું પાણી કચરાવાળું, જીવાતવાળું અને ગંદુ છે. જો કે પાણી માટે બીજો કોઈ સ્ત્રોતના હોવાના લીધે આ ગંદુ પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર છે. આ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમાર પણ પડી રહ્યા છે પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે. સ્થાનિકોની એકજ માંગ છે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે.
સ્થાનિકોએ વર્ણવી આપવીતીઃ આ અંગે etv bharatને બારી મહુડી ગામના લોકોએ પોતાની આપવીતી જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે ખાવા માટે અનાજ તો છે પણ પીવા માટે પાણી નથી. વહેલી સવારે 4 કલાકે જાગીને ગામના કોતરમાં વર્ષો જૂનો કુવો છે ત્યાં પાણી ભરવા લાઈનમાં ઊભા રહેવું પડે છે. જીવના જોખમે પાણી કાઢી માથે બેડા મૂકી ટેકરા ચઢીને ઘરે પાણી લાવીએ છીએ. એ જ પાણી થી નાહવા-ધોવા, જમવા બનાવવાનું અને પશુઓ પીવડાવવું પડે છે. ઉનાળાના 4 મહિના સુધી અમે પાણી માટે વલખાં મારીયે છીએ. સરકારની નલ સે જલ યોજના અંતર્ગત નળ મૂક્યા છે પણ નળમાં એક પણ ટીપું પાણી આવ્યું નથી.
- નેતાઓના મોટા દાવાઓ : 20 વર્ષથી આ ગામમાં પીવાનું પાણી મળતું નથી!
- વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ