છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છોટાઉદેપુર : છોટાઉદેપુરમાં કિલ્લાના મેદાનમાં ગત રાત્રીએ ભરાયેલા ઉર્સના મેળામાંથી ડ્રેગન બોટની સીડીમાંથી એક પરિવારની મહિલાઓ નીચે ઉતરતા હતા તે વખતે અમુક ઈસમો મહિલાઓને ભૂંડી ગાળો બોલતા હોય અને છેડતી કરતા હતાં. તે બાબતે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને સીડીમાંથી નીચે ઉતારી લોખંડની પાઇપ વડે શરીરે આડેધડ ઘા મારી દીધાં હતાં.
છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો :આશરે 50 થી 60 માણસોના ટોળાંમાંથી 11 જેટલા આરોપીઓએ ફરિયાદીને લોખંડની પાઇપો, લોખંડની સળીઓ, લોખંડની હથોડી, જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી એક ઇસમે એક મહિલાને લોખંડની પાઇપ વડે માથામાં ઇજા કરી હતી. અને ફરિયાદી તથા અન્ય 6 યુવાનોને મૂઢમાર માર્યો હતો તથા ઇજાઓ કરી હતી અને ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ કલેકટરના હથિયારબંધીનાં જાહેરનામનો ભંગ પણ કર્યો હોય જે બાબતે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયાં : અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં કિલ્લાના મેદાનમાં ભરાયેલા ઉર્સના મેળામાં દરેક કોમની પ્રજા માથું ટેકવવા તથા ફરવા માટે આવે છે અને મેળાનો આનંદ માણે છે. ત્યારે યુવતીની છેડતી અને માર મારવાની સમગ્ર ઘટનાની જાણ નગરમાં તથા જિલ્લામાં થતા ચકચાર મચી હતી. આ બાબતે 1 મહિલા સહિત 6 યુવાનોને સારવાર અર્થે છોટાઉદેપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે 12 ઈસમો ઉપર નામ જોગ તથા અન્ય 50 થી 60 માણસોના ટોળા સામે ઇપીકો કલમ 143, 147, 148, 149, 323, 324, 354, 504, 506, (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહી થઇ : આ અંગે છોટા ઉદેપુર પીઆઈ અરુણ પરમારે જણાવ્યું હતું કે ઉર્ષના મેળામાં એક યુવતીની છેડતી કરી હતી. ફરિયાદી એમની બહેનો સાથે મેળામાં ફરવા ગયા હતાં, સાડા દશ વાગ્યાની આજુ બાજુ એક ઈસમે યુવતીની છેડતી કરી હતી, અને યુવતીના ભાઈએ મારી બહેનની છેડતી કેમ કરે છે તેમ કહેવા જતાં ઉશ્કેરાઇ જઈને 10 થી 12 જેટલાં ઈસમો અને 50 લોકોનું ટોળું લોખંડની પાઇપો વડે માથાનાં ભાગે ઈજાઓ પહોંચાડી હુમલો કરેલ. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ નગરમાં શાંતિ છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીની હત્યા કરી
- Bharat Jodo Nyaya Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં મોકો જોઇ ખિસ્સા કાતરુ ગેંગે તરખાટ મચાવ્યો