મધ્ય ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા ખેડા :યાત્રાધામ ફાગવેલથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર કાળુસિંહ ડાભી, આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર અમિત ચાવડા અને પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર ગુલાબસિંહ પરમારે ભાથીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ : ખેડા જિલ્લાની ત્રણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પોતાના લોકસભા વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરતા પહેલા ક્ષત્રિય સમાજની આસ્થાના કેન્દ્ર ફાગવેલ પહોંચ્યા હતા. અહીં ભાથીજી મહારાજને શીશ નમાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણેય ઉમેદવારોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમિત ચાવડાનો દાવો :કોંગ્રેસ નેતા અને આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર અમિત ચાવડાએ ક્ષત્રિય સમાજ પર કેન્દ્રીય પ્રધાને કરેલા નિવેદનને લઈને જણાવ્યું હતું કે, પહેલા લાફો મારવો પછી માફી માંગવાની, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું કરવાનું સારી રીતે આવડી ગયું છે. સાથે જ તેમણે લોકોના હક અધિકાર માટે લડવાની શક્તિ મળે તે માટે આશીર્વાદ મેળવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ દેશ સાથે ગુજરાતની 26 બેઠકમાં પણ પરિવર્તન થશે તેમ જણાવ્યું હતું.
આ અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે, સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે. એ લડાઈમાં લડવાની શક્તિ મળે એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવા આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. -- અમિત ચાવડા (કોંગ્રેસ ઉમેદવાર, આણંદ લોકસભા બેઠક)
વીર ભાથીજી મહારાજ : અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની 26 બેઠકોમાં પણ પરિવર્તન થશે. ફરીથી ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવવા જઈ રહ્યો છે. જે રીતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા.
ભાથીજી મહારાજના દર્શન : અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાતના લોકો માટે, એના હક અને અધિકાર માટે, એના આત્મસન્માન માટે, એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે, એટલા માટે મધ્ય ગુજરાતની ત્રણ લોકસભા બેઠક આણંદ, ખેડા અને પંચમહાલના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલા ત્રણેય ઉમેદવાર આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી વંદન કર્યું અને પ્રાર્થના કરી છે.
- ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે ટક્કર
- Kheda Lok Sabha Seat: ખેડા લોકસભાનો ચૂંટણી સંગ્રામ, વિશ્લેષકની નજરે...