જૂનાગઢઃ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ કરવા જઈ રહી છે ત્યારે જૂનાગઢ એગિકલ્ચર યુનિવર્સિટીના એગ્રી ઈકોનોમિક્સ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ બજેટ સંદર્ભે તેમના સૂચનો અને પ્રતિભાવો રજૂ કર્યા છે. ભારત કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. જેથી આગામી બજેટમાં કૃષિને લગતી યોજનાઓ ખેડૂતો અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત કૃષિ જણશોની નિકાસ અને પોષણક્ષમ ભાવો મળી રહે તે પ્રકારની યોજના અને નીતિ નિર્ધારણ આગામી બજેટમાં થાય તે આવશ્યક છે. આ કૃષિ વિષયક જોગવાઈઓને પરિણામે જ વડાપ્રધાન મોદીએ ભારતની ઈકોનોમીને 5 ટ્રિલિયન સુધી લઈ જવાનું જે સપનું જોયું છે તેમાં સફળતા મળી શકે તેમ છે.
કૃષિ ક્ષેત્રે મહિલા સશક્તિકરણઃ બજેટ 2024-25માં કૃષિ ક્ષેત્રે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય અને વેગ મળે તે માટે વિશેષ જોગવાઈઓ થાય તેવું વિદ્યાર્થીનીઓ માને છે. જેના કારણે ભારતની કૃષિ ક્ષેત્રે સંકળાયેલ મહિલાઓ વધુ મજબૂતીથી આગળ વધી શકે તેમ છે. વધુમાં જે રીતે ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકાર કરે છે. તે જ રીતે મહિલા ખેડૂતો માટે પ્રતિ વર્ષ 12 હજારની રાહત આગામી બજેટમા જાહેરાત થાય તો પુરુષ ખેડૂતોની સાથે મહિલા ખેડૂતો પણ કૃષિ ક્ષેત્રે વધુ મજબૂતાઈથી સંકળાશે.
કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે જોગવાઈઃ ભારત કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. જેને કારણે ભારતમાં કૃષિને લગતા અભ્યાસક્રમો પણ પ્રચલિત છે. જેમાં સ્નાતક કે અનુસ્નાતક થયેલા કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રોત્સાહક યોજના બને તો કૃષિના અભ્યાસ સાથે વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે તેમ છે. રોજગારીના ક્ષેત્રમાં પણ કૃષિ આધારિત રોજગારનું એક નવું આયામ શરૂ કરીને અન્ય ઉદ્યોગોની જેમ કૃષિ આધારિત ઉદ્યોગોનું સ્થાપન થાય અને તેમાં કૃષિનું શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને સીધી રીતે સામેલ કરવામાં આવે તે માટેની યોજના આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવે તે આવકાર્ય છે.
કૃષિ ઉત્પાદનો માટે સ્ટાર્ટઅપની જોગાવાઈઃ બજેટમાં મૂલ્ય આધારિત કૃષિ ઉત્પાદનો માટે એક અલગથી સ્ટાર્ટઅપની યોજના બને તો ખેડૂતો માટે અને ખાસ કરીને કૃષિના ખુલ્લા બજારો માટે શ્રેષ્ઠ બની રહેશે. કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ થયા બાદ 2 વર્ષમાં તેની કોઈ યોગ્ય કાળજી કે દરકાર રાખવામાં આવતી નથી. જેને કારણે સ્ટાર્ટઅપ મૃતઃપ્રાય બની જાય છે. તેનો લાભ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને ખેડૂતોને મળતો નથી. મૂલ્ય આધારિત કૃષિ ઉત્પાદનોને વેગ મળે તો યુવાનો પણ કૃષિ ક્ષેત્ર સાથે જોડાવાની શક્યતા વધુ પ્રબળ બને.
રોટી, કપડાં ઓર મકાન કૃષિ આધારિતઃ કોઈ પણ વ્યક્તિની સામાન્ય જરૂરિયાત એટલે રોટી કપડાં ઓર મકાન. આ ત્રણેય પ્રાથમિક જરૂરિયાતો એકમાત્ર કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. આપણા દેશમાં કૃષિ ઉત્પાદનોને ફોરકાસ્ટિંગ મોડેલ દ્વારા ખેડૂતો માટે ઉપયોગી બનાવી શકાય તેમ છે. આ પ્રકારના ફોરકાસ્ટિંગ મોડલની આગામી બજેટમાં વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતો કૃષિ પાક લેતા પૂર્વે જ તેના બજાર ભાવોથી સુનિશ્ચિત બની જાય છે. જેને કારણે ખેડૂતો કેવા પ્રકારના કૃષિ પાકો લઈ શકે તેની આગોતરી જાણ પણ થાય. ફોરકાસ્ટિંગ મોડેલથી બજેટ પ્રત્યેક ખેડૂતો માટે એક મહત્વનો દસ્તાવેજ બને તો ખૂબ જ ઓછા સમયમાં ખેડૂતોની ડબલ ઈન્કમની સાથે કૃષિ અર્થ વ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપી શકાય તેમ છે. જેના થકી આગામી વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી શકે તેવી પ્રબળ શકયતાઓ પણ બજેટની જોગવાઈઓથી ફળીભૂત થઈ શકે તેમ છે.