સ્થાનિકોનો રોષ અને મહાનગરપાલિકાનો જવાબ ભાવનગર : ભાવનગરના સૌથી જુના મહિલા કોલેજ સર્કલમાં નવીનીકરણને પગલે સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાનું તંત્ર આમને સામને થઈ ગયું છે. બગીચાના નવીનીકરણ માટે કરોડો ફાળવવામાં આવ્યા તો સ્થાનિક લોકોએ ખોટો ખર્ચો નહીં કરીને બગીચાને ઉજજડ થવાનો ડર વ્યક્ત કર્યો છે. બગીચાને બચાવવા માટે લેખિત રજૂઆત કરી છે. જો કે મહાનગરપાલિકાના સત્તાધીશો લોકોની સાથે પરામર્શ કરીને આગળ વધવાની વાત કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોને હાલમાં કામ શરૂ થતા બગીચાનો વિનાશ થવાનો ડર સતાવી રહ્યો છે.
સ્થાનિક લોકોએ કહ્યું કેવો હતો બગીચો અને હવે અને પછી કેવો ? : મહિલા કોલેજ સર્કલમાં સવારે સાંજ બે વખત આવતા અને સિનિયર સિટીઝન ગાર્ડન ગ્રુપના સભ્ય રહેલા ભાવેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અમે અરજી કરી છે અને અમારી માંગ એવી છે કે અમે છેલ્લા 20 વર્ષથી ત્યાં બધા વોકિંગમાં ભેગા થઈએ છીએ અને સવારે 6 થી 9 લગભગ રોજ 2000 જેટલી પબ્લિક આવે છે.
બગીચામાં જે પહેલા જે બગીચો હતો જે તેની રોનક હતી જેમાં નીચે લોન વાવવામાં આવી હતી. ક્યાંય જાજમની પણ જરૂર નહોતી પડતી એવી લોન હતી. બધા સાધનો હતા એ પણ સરસ મજાના હતા. બાંકડા પણ સરસ મજાના હતા. આપણે નીચે બેસી શકીએ અને આપણે ઘરેથી ટિફિન લઈને જવું હોય તો એવો સુંદર મજાનો બગીચો હતો અને ફરતી મહેંદીની વાડ હતી. આ બધા જ ઝાડવા હતા જે બધા બગીચામાં રોનક હતી એ અત્યારના બગીચામાં રોનક રહી નથી. પણ આ માટે થઈને અમે વારંવાર રજૂઆત કરેલી અને એની જે અત્યારે તેનું ટેન્ડર પાસ થયું તેમાં સિવિલ કામ વધારે છે. દીવાલ ઊંચી કરવામાં આવે તો બગીચામાં કોણ છે ખ્યાલ નહીં આવે અને સેફટી જેવું કંઈ નહીં રહે...ભાવેશ ગાંધી (સિનિયર સિટીઝન ગાર્ડન ગ્રુપના સભ્ય)
વિકાસના નામે વિરોધ વચ્ચે મક્કમ :ભાવનગર મહિલા કોલેજ સર્કલમાં સવાર સાંજ 2000 લોકોનું અવરજવર રહેતી હોય ત્યારે 800 થી 1000 જેટલા લોકોએ બગીચામાં નવીનીકરણના નામે કોઈ બાંધકામ કરવામાં આવે નહીં તેવી માંગ કરી છે અને વૃક્ષોને નુકસાન થાય નહીં તેવું પણ જણાવ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા કોલેજ સર્કલના વિકાસના કામ માટે તેને ટેન્ડર કરીને બરાબર કરીને આ મંજૂરી માટે આપ્યું છે.
એની અંદર જે પણ જરૂર છે એટલું જ કામ કરવાનું છે. વધારે કોઈ ઝાડવા કે કોઈ વૃક્ષને નુકસાન ન થાય અથવા કોઈ આજે કુદરતી નેચરલ જે ગાર્ડન છે એને નુકસાન ન થાય આ બધી જ બાબતોને ધ્યાન રાખવાનું છે. એ અરજી મને પણ મળી છે. અને મેં સાથે ઠરાવની અંદર પણ એવું લખ્યું છે કે આગામી દિવસોમાં આ કામ શરૂ કરતા પહેલા સ્થાનિક લોકો સ્થાનિક વિભાગના કાર્યપાલક, હું ચેરમેન તરીકે તમામ સ્થળની મુલાકાત કરશુ. જે કરવા જવું છે એ જ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે એટલે કોઈ એવી વસ્તુ ન બને કે ભાવનગરને નુકસાન કરતા હોય. ભાવનગરના વિકાસમાં કાયમ માટે ધ્યાન રાખ્યું છે ફરવા લાયક સ્થળ તરીકે મહિલા કોલેજ ગાર્ડનને અમે વિકસાવશું...રાજુભાઈ રાબડીયા (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી , ભાવનગર મહાનગરપાલિકા)
પ્રજા હવે વિકાસના નામે વિનાશ નથી જોવા માંગતી :ભાવનગરનું સૌથી જૂનું મહિલા કોલેજ સર્કલમાં સવારમાં વોકિંગમાં સીનીયર સીટીઝનો, યુવાનો અને મહિલાઓ આવે છે. ત્યારે સાંજ ઢળતાની સાથે જ પતિ પત્ની પોતાના બાળકોને લઈને, તો વૃદ્ધ દંપતીઓ ચાલીને વોકિંગ કરી બગીચામાં આરામ ફરમાવે છે. લીલા હરિયાળા બગીચામાં વિકાસના નામે વિનાશ થાય નહીં તેનો ડર ત્યાં આવતા લોકોને સતાવી રહ્યો છે. બાંધકામના નામે કુદરતી વૃક્ષોનું સૌંદર્ય ત્યાં ખોરવાય નહીં તેનો પર ડર સતાવી રહ્યો છે. જેને પગલે સ્થાનિક નાગરિકો અને મહાનગરપાલિકાનું તંત્ર આમનેસામને થઈ ગયું છે. સ્થાનિક નાગરિકોએ તો ખોટા બે કરોડ જેવી રકમ નહી પરંતુ 50 લાખમાં બગીચો સારો થવાની ટકોર પણ કરી છે. આમ છતાં જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આખરે શું કરે છે.
- Bhavnagar News : ભાવનગર મહિલા કોલેજ સર્કલ બગીચામાં જતાં સાચવજો, રમતગમતના સાધનો હોય કે બેસવાના બાંકડા, બધું તૂટેલું
- Bhavnagar Mayor : મેયર સ્કૂટર લઈને આવ્યા તો સૌ ચોકી ઉઠ્યાં, લોકસભા ચૂંટણી આચારસંહિતાના અમલ પહેલાં જ ભર્યું પગલું