અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી લડશે ગાંધીનગર :ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોની જાહેરાત બાદ હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે.
રાજકીય કારકિર્દીની શરૂઆત : અર્જુન મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957 ના રોજ મેર પરિવારમાં થયો હતો. તેમણે BE મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1982 થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા. આ દરમિયાન તેઓ 1988માં એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટીના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા.
જાયન્ટ કિલર અર્જુન મોઢવાડિયા :ત્યારબાદ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1995 અને 1998માં પોરબંદરના ધારાસભ્ય અને મંત્રી બાબુ બોખીરીયાને હરાવી અર્જુનભાઈ જાયન્ટ કિલર સાબિત થયા હતા. અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ :વર્ષ 2007માં અર્જુનભાઈ ફરી પોરબંદર વિધાનસભા બેઠક પરથી શાંતાબેન ઓડેદરાને હરાવી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ જવાબદારી તેમણે ડિસેમ્બર, 2012 સુધી નિભાવી હતી.
ત્રણ ટર્મના ધારાસભ્ય :વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં અર્જુનભાઈના નસીબે પલટો માર્યો હતો. ભાજપના બાબુ બોખીરીયા સામે તેમની હાર થઈ હતી. 2017 વિધાનસભા ચૂંટણીમાં તેમને ફરી એકવાર નસીબે સાથ ન આપ્યો અને અર્જુનભાઈ માત્ર 1855 મતથી હારી ગયા. આ બંને હારનો બદલો તેમણે 2022 વિધાનસભા ચૂંટણીમાં લીધો અને બાબુ બોખીરીયાને બીજીવાર 8,188 મતની લીડે હરાવ્યા હતા. તેઓ કોંગ્રેસના ત્રણ ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
પોરબંદરમાં કમળ ખીલશે ?કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ જેવા પદ પર રહ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે તેમને પોરબંદરથી વિધાનસભા પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા અર્જુન મોઢવાડિયાના ભાજપ પ્રવેશથી નારાજ હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. પરંતુ બંને સ્ટેજ પરથી સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણીમાં બાબુ બોખીરીયા અર્જુન મોઢવાડિયાને કેટલો સહકાર આપશે.
- પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર, પક્ષ પલટો કરીને આવેલા ચારે પૂર્વ ધારાસભ્યોને ટિકિટનું ઇનામ - BJP Announces Candidates For Gujrat
- માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર જાહેર - Manavadar Assembly Seat