ભરુચઃ ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલ KYC અપડેટના નામે સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે. તેમનો પગાર જે એકાઉન્ટમાં આવતો હતો તે સેલરી એકાઉન્ટમાં ચાલતી પર્સનલ લૉન પર ₹7.38 લાખની ટોપ અપ લોન ગણતરીના કલાકોમાં લઈ લેવાઈ ગયાનો ખેલ રમાઈ ગયો છે. ભેજાબાજોએ કોન્સ્ટેબલના એકાઉન્ટમાંથી ટોપ અપ લોનના ₹5.48 લાખ 7 એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. હવે અહીં ચોંકાવનારી વાત એ છે કે કાયદા-કાનૂનની સેવામાં જોડાયેલા પોલીસ કર્મચારીને આ ફ્રોડ છેતરી કેવી રીતે ગયો? શું પોલીસ કર્મચારીને શંકા પણ ના ગઈ? શંકા થઈ, છતા તે કેમ નાણાં રોકી ના શક્યો જાણીએ સમગ્ર વિગતો....
કેવી રીતે બન્યો સમગ્ર બનાવ
ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાએ ₹5.48 લાખનો ચૂનો ચોપડ્યો છે. ભરૂચના ઓસારા ગામે પટેલ ફળીયામાં રહેતા યોગેશ ઠાકોર પોલીસ હેડ કવાટર્સમાં 17 વર્ષથી આર્મ કોન્સ્ટેબલ તરીકેની પોતાની ફરજ બજાવે છે. ગત 29 નવેમ્બરે તેઓ પોતાના ઘરે હતા. દરમિયાન તેમના મોબાઈલ પર એક્સિસ બેંકનો કર્મચારી બોલું છું તેમ કહી એક કોલ આવ્યો હતો. આ વ્યક્તિ હિંદી ભાષામાં વાત કરતો હતો.
કેવી રીતે ફસાવ્યા?
યોગેશભાઈનું એક્સીસ બેંકમાં સેલેરી એકાઉન્ટ છે. આ કોલ પર તેમને કહેવામાં આવ્યું કે, KYC અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયાનો ચાર્જ લાગશે તેમ પણ કહેવામાં આવ્યું હતું. સ્વાભાવીક રીતે પોતાને ચાર્જ લાગશે તે જાણી તેમણે આ વ્યક્તિની વાત માની અને KYC UPDATE માટે હા પાડી દીધી હતી.
કોન્સ્ટેબલને શંકા થઈ
રાહુલ નામની વ્યક્તિ હિન્દીમાં જણાવતા કોન્સ્ટેબલને એક્સીસ બેંકના કર્મચારીનો જ ફોન આવ્યો છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી વિવિધ ડોક્યૂમેન્ટ્સ સાથે યોગેશભાઈ તૈયાર થઈ ગયા. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી દીધી હતી. જે બાદ વીડીયો કોલ આવ્યો તેમાં બેંક પાસબુક અને ઇમેઈલ આઈડી માગવામાં આવ્યું. વીડિયો કોલ અને પાસબુક તથા ઈમેઈલ આઈડીની વિગતો માગવાને લઈને કોન્સ્ટેબલ યોગેશભાઈને શંકા ગઈ હતી. તેમણે તુરંત કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી દીધા. ઉપરાંત તેઓ તાબડતોબ ઘરેથી કોલેજ રોડ પર આવેલી એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોંચ્યા હતા.
રુપિયા ખાલી થતા અટકાવી શક્યા નહીં
જ્યાં તેઓને બેંકમાં પૃચ્છા કરી તો જાણકારી મળી કે બેન્ક દ્વારા તેમને કોઈ કોલ કરાયો નથી. આ જાણકારીથી તેઓને ખાતરી થઈ ગઈ કે તે કોલ કરનાર કોઈ ફ્રોડ હશે. તેમણે તુરંત બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લૉન પર રૂપિયા 7.78 લાખની ટોપ અપ લૉન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. કારણ કે તેમણે આપેલી વિગતોથી સાયબર ફ્રોડે મોટાભાગનો એક્સેસ મેળવી લીધો હતો.
ટોપ અપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજો દ્વારા ₹5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. મામલાને લઈને તેઓ ચિંતામાં પડી ગયા અને તુરંત આ ઘટનાને લઈને નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ પોતાની જ ખાખી ધરાવતા આ કોન્સ્ટેબલને રૂપિયા અપાવવામાં કેટલી સફળ થાય છે અને કોન્સ્ટેબલને લોનના હપ્તા ભરવા અંગે બેન્કમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
- અમરેલીના સવારે કર્મચારીઓ કામ પર આવ્યા અને સંપમાં દીપડો જોતા જ દોડાદોડ
- ખેડાના કઠલાલમાં સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી 1.10 કરોડની કરી ઠગાઈ