બનાસકાંઠા: તાજેતરમાં હોસ્પિટલના મુદ્દે એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ થયેલા વિડીયોએ ઘણી ચર્ચાને જન્મ આપ્યો છે. મહત્વની બાબત એ છે કે, આ વિડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. ભારત દેશમાં ગર્ભ પરીક્ષણ કરી માહિતી મેળવવી કે છોકરો થશે કે છોકરી એ ગેરકાયદેસર છે. પરિણામે આ બાબતની જાણ તંત્રને કોઈ અરજી દ્વારા મળી હતી.
સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું:ધાનેરામાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાની અરજી ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસરને મળી હતી. જે બાદ ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા આ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલમાં રાખેલું સોનોગ્રાફી મશીન પણ તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યું છે.
ડૉક્ટર પોતે કબૂલાત કરી રહ્યા છે: મહત્વની વાત એ છે કે, આ ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો વિડિયો વાયરલ થયો છે. જેમાં ડૉક્ટર અને ગર્ભ પરીક્ષણ અર્થે આવેલ મહિલાઓ વચ્ચેની વાતચીત પણ સ્પષ્ટ સંભળાઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં પોતે ખાનગી હોસ્પિટલના ડૉક્ટર ગર્ભ પરીક્ષણ થાય છે તેવું કબૂલાત કરી રહ્યા છે. એટલું જ નહીં આ પહેલીવાર નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગર્ભ પરીક્ષણ કરતા હોવાની પણ કબુલાત કરી રહ્યા છે.