કચ્છ :26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિતે દિલ્હીના કર્તવ્યપથ પર રાષ્ટ્રીય પરેડ યોજાઈ હતી. જેમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ તરીકે ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. UNWTO દ્વારા જ્યારે ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના ટેબ્લોનું આ શ્વેત રણથી વિખ્યાત ધોરડો ગામે પ્રતિનિધિત્વ કર્યું હતું. ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબ્લો 'ધોરડો' કર્તવ્યપથ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાથે જ કચ્છની રોગાન કળા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી પણ ઝાંખીનું મુખ્ય આકર્ષણ બન્યું હતું અને ખૂબ લોકચાહના મેળવી હતી.
કચ્છના સરહદી ગામની ઝાંખી : કચ્છનું સરહદી ગામ ધોરડો તેની ખમીરાત અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે સાથે રાજ્ય અને દેશના સરહદી વિસ્તારના પ્રવાસનને પણ ઉત્તેજન આપે છે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલે 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છી ભુંગાનું પ્રદર્શન : 75મા પ્રજાસત્તાક દિવસ અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બન્યું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓને ઝાંખીના આગળના ભાગમાં ફરતા પૃથ્વીના ગ્લોબમાં દર્શાવવામાં આવી હતી તો સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને 'ભૂંગા' તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાનકલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી હતી.
ધોરડો ગામની પરંપરાની સાથે સાથે તેની ડિજિટલ પ્રગતિ :આ ઉપરાંત ગુજરાતની ઝાંખીમાં પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરી રહ્યા હોય તેવું તેમજ કલાકૃતિઓને ખરીદી કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. જે ધોરડો ગામની પરંપરાની સાથે સાથે તેની ડિજિટલ પ્રગતિને પણ દર્શાવી રહી હતી. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ પણ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. ત્યારે ટેબ્લોએ દેશની જનતાના દિલ જીતી લીધા હતા. ગુજરાતના ટેબ્લોએ સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ પસંદગીમાં પ્રથમ અને જ્યુરીની ચોઈસમાં બીજો ક્રમ મેળવ્યો છે.
- Tableau of Dhordo Village : 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં કચ્છના ધોરડોના ટેબ્લોને સ્થાન મળ્યું
- જાણો કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ પરંતુ વિકાસની દૃષ્ટિએ અવ્વલ ધોરડો ગામ વિશે