ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે, ‘એશિયા બિગેસ્ટ ટૂરિઝમ એવોર્ડ સીઝન- 6’ એનાયત કરાયા - TOURISM AWARDS SEASON 6 - TOURISM AWARDS SEASON 6

એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન-6માં મંત્રીશ્રીના હસ્તે પ્રવાસન અને મનોરંજન જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ 13 જેટલી કેટેગરી અંતર્ગત એવોર્ડ આપી સન્માનિત કરાયા.

Etv Bharatએશિયા બિગેસ્ટ ટૂરિઝમ એવોર્ડ સીઝન- 6
Etv Bharatએશિયા બિગેસ્ટ ટૂરિઝમ એવોર્ડ સીઝન- 6 (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 11:27 AM IST

અમદાવાદ:આઇકોનિક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન-6માં પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હાજરી આપી હતી. મંત્રીશ્રીના હસ્તે પ્રવાસન અને મનોરંજન જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ 13 જેટલી કેટેગરી અંતર્ગત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે. આજે ભારતનાં આઇકોનિક સ્થળો પૈકી એક એવા સાબરમતી રિવરફ્રન્ટ પર આ એવોર્ડનું આયોજન થયું છે, તે આનું સૌથી મોટું ઉદાહરણ છે.

શ્રી મૂળુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત એશિયાટિક સિંહોના વસવાટનું સ્થળ, વૈવિધ્યસભર જીવસૃષ્ટિ, વિશાળ દરિયાકિનારો, હેરિટેજ શહેર, બ્લ્યુફ્લેગ બીચ ધરાવતું પ્રવાસનની દૃષ્ટિએ અનોખું રાજ્ય છે. આજે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, જેના પરિણામે ગત વર્ષે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ, મરીન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમનો અસીમ વિકાસ થાય તે માટે ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ પ્રયાસરત અને પ્રતિબદ્ધ છે, એવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આજના સમારોહમાં આઇકોનિક ટુરિઝમ ડેવલમેન્ટ પ્રોજેક્ટની કેટેગરીમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપેન્ટ કોર્પોરેશન લિમિટેડને એવોર્ડ મળ્યો, જ્યારે અન્ય એક એવોર્ડ વડનગરના વિકાસ માટે ગુજરાત ટૂરિઝમને યુનિક ઇનિશિયેટિવ ઓફ ટૂરિઝમ ડેસ્ટિનેશન કેટેગરીમાં અપાયો હતો. હોડકો ગામના સરપંચશ્રીને બેસ્ટ ટુરિઝમ વિલેજ ફોર હોમસ્ટેની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા.

આ એવોર્ડ સમારોહ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી શ્રી રઘવજીભાઈ પટેલ તથા અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેરના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, રાજકીય અગ્રણી સુરેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ટૂરિઝમના મુખ્ય સચિવ શ્રી હારિત શુક્લા તથા ઇમેજીકાના ડાયરેક્ટર શ્રી જય માલપાની સહિત ટૂરિઝમ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  1. ગિફ્ટ સિટીમાં આયોજિત વર્લ્ડ જૂનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 46 દેશોના 230 ખેલાડીઓએ ભાગ લીધો - Gandhinagar News

ABOUT THE AUTHOR

...view details