રાજકોટ :લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કાનું મતદાન ગતરોજ 7 મેના પૂર્ણ થયું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક સહિત પાંચ વિધાનસભા બેઠક પર જોરશોરથી મતદાન થયું. ચૂંટણી પૂર્વેથી હોટ સીટ રહેલી રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રુપાલાની વિવાદિત ટિપ્પણી અને ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો રહ્યો હતો. હવે તેના પરિણામ તો 4 જૂને સામે આવશે પણ તે પહેલા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું મતદાન બાદનું નિવેદન સામે આવ્યું છે.
રૂપાલાએ ફરી માફી માંગી :પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ મારા જીવનકાળની સૌથી અઘરી ચૂંટણી હતી. મારાં વક્તવ્યો એક સમયે મારી પાર્ટીનું ઘરેણું હતા, મારે કારણે પાર્ટીને ઘણી સમસ્યાઓ થઈ છે. હું ફરી વખત નમ્રતાપૂર્વક રીતે ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત તરીકે આગળ વધી રહ્યું હોય ત્યારે મારી ભૂલને માફ કરીને ક્ષત્રિય સમાજ રાષ્ટ્ર સાથે આગળ વધે એવી પ્રાર્થના છે.
મિચ્છામી દુક્કડમ :મારા નિવેદનને કારણે વડાપ્રધાન તેમજ મારા ઘણા સાથી મિત્રોને જે સમસ્યા સર્જાઈ તે મુદ્દે પણ માફી માંગુ છું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને ફરી પાછી હું માફી માંગીને મિચ્છામી દુક્કડમ કહું છું. મને આદેશ છે બાકીના ચાર ચૂંટણી ચરણોમાં પ્રવાસ માટે પણ તારીખ હજુ આવી નથી. મોટા ઉદ્યોગો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવે એવાં પ્રયાસ એક જન પ્રતિનિધિ તરીકે ચોક્કસ કરીશ.
સૌથી પીડાદાયક ચૂંટણી :મતદાન ઓછું થવાના કારણો ઘણાં છે, કોઈ ચોક્કસ પરિબળ આ દિશામાં કામ નથી કરતું. આ પ્રેસ મત માટેની નથી, આ પ્રેસ સામાજિક નિસ્બત માટેની છે, સામાજિક સમરસતા માટે છે. જે બન્યું છે એ ક્રિયાની પ્રતિક્રિયા હતી અને એ મારી ભૂલને કારણે હતી. ગઈકાલે જે રીતે ચૂંટણી યોજાઈ એક પણ એવો બનાવ ન બન્યો એ જ સામાજિક સમરસતાની સાબિતી છે. 40 વર્ષ દરમિયાન આ મારી સૌથી પીડાદાયક ચૂંટણી હતી.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ક્ષત્રિય ગૌરવ વધાર્યું, રૂપાલા થી દુરી રાખી - Lok Sabha Election 2024
- સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં "ચાલો રાજકોટ મતદાન કરો"ના બેનર લાગ્યા, હિન્દુ એકતાની જય સાથે અનેક વાતો