ગુજરાત

gujarat

ETV Bharat / state

"અમિત શાહના રાજીનામાથી ઓછું અમને કશું ખપશે નહીં" : જીગ્નેશ મેવાણી - AMIT SHAH CONTROVERSIAL COMMENT

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી નિવેદન પર દેશભરમાં વિવાદ ચાલ્યો છે. આ બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દાહોદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 8:12 PM IST

દાહોદ : રાજ્યસભામાં અમિત શાહના આંબેડકર અંગેના નિવેદન પર હાલ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે કોંગ્રેસ પક્ષે દાહોદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ અમિત શાહના રાજીનામાની માગ કરી હતી. આ સાથે કલેક્ટર નેહા કુમારી પર નિશાન સાધ્યું હતું.

અમિત શાહની વિવાદિત ટિપ્પણી :બે દિવસ અગાઉ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર અંગે ટિપ્પણી કરી હતી કે, "આંબેડકર આંબેડકર આંબેડકર બોલવું ફેશન બની ગયું છે, જો આટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી શકે." જે ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે.

  • "દેશમાંથી અસ્પૃશ્યતા હટશે તે દિવસે જીવતે જીવ સ્વર્ગ મળશે" : જીગ્નેશ મેવાણી

કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, આ તેઓની માનસિકતા દર્શાવે છે. દેશમાંથી અસ્પૃશ્યતા હટશે તે દિવસે જીવતે જીવ સ્વર્ગ મળશે. તેઓની ટિપ્પણીથી દેશભરના લોકોમાં રોષ છે. અમે માંગ કરીએ છીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહનું રાજીનામું લઈ લે, તેથી ઓછું કંઈ નહીં ખપે.

જીગ્નેશ મેવાણીએ અમિત શાહના રાજીનામાની માંગ કરી (ETV Bharat Gujarat)

IAS નેહા કુમારી નિશાન સાધ્યું :નેહા કુમારી પર નિશાન સાધતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં 23 ઓક્ટોબરના રોજ મહિસાગર કલેક્ટર નેહા કુમારી દુબેએ કહ્યું કે, દલિત અને આદિવાસી 90 ટકા એટ્રોસિટીના કેસ બ્લેઈમેઈલીંગ માટે કરે છે. ઉપરાંત અગાઉ પણ દલિતો અને આદિવાસીઓને અપમાનિત કરતા હડધૂત, તિરસ્કૃત કરે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે.

સ્વાભિમાન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી :પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીગ્નેશ મેવાણીએ અમિત શાહના રાજીનામાની માગ કરી હતી. સાથે જ કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. ઉપરાંત જો કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા :દાહોદ ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરપાલસિંહ ચૂડાસમા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, દાહોદના માજી સાંસદ સભ્ય પ્રભાબેન તાવિયાડ, દાહોદ માજી ધારાસભ્ય વજુભાઈ પણદા, ગરબાડા માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામા અને દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. 'માફી માંગે ગૃહમંત્રી અમિત શાહ,BJP આંબેડકર વિરોધી': રાહુલ ગાંધી
  2. 'હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરી શકું': અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details