અમદાવાદ: દિવાળીના તહેવારને લઈને હાલ લોકો પોતાના વતન જવા માટે ઉત્સુક છે અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.
રેલ્વે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા: આ અંગે વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના PRO પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે, તહેવારોની સિઝન દરમિયાન અમદાવાદમાં રેલવે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદ રેલવે સ્ટેશન પર વધુ ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરી છે, હાલ 33 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં ઓખા, રાજકોટ, ભાવનગર રેલવે સ્ટેશનથી પણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા યાત્રીઓ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા (etv bharat gujarat) ભીડને નિયંત્રણ લેવા શું નિર્ણય લેવાયો: વધુમાં વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના PRO પ્રદિપ શર્માએ જણાવ્યું કે, સ્ટેશન પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી 6 નવેમ્બર 2024 સુધી અમદાવાદના સાબરમતી અને આસારવા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે: PRO પ્રદિપ શર્માએ કહ્યું કે, મુસાફરોને વહેલી તકે ટિકિટ મળી રહે તે માટે અમે વધારાના કાઉન્ટર પણ શરૂ કર્યા છે અને એક કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. જેને વોર રૂમ કહેવામાં આવે છે અને અધિકારીઓ તેમાંથી યાત્રીઓની દેખરેખ રાખી રહ્યા છે. કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન પર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. દરેક સ્ટેશન પર તબીબોના નંબર પણ ફરતા કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા કરવામાં આવી વ્યવસ્થા:બીજી તરફ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેન માટે રાહ જોતા યાત્રીઓએ જણાવ્યું હતું કે, અમે છઠપૂજા માટે અમારા ગામ જઇ રહ્યા છીએ. અમારા વતન યુપી, ગોરખપુર જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આવ્યા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ ટ્રેન બપોરે આવવાની હતી, તે સાંજે આવવાની છે. તેના માટે અમે વેઇટિંગ એરિયામાં બેઠા છીએ. જેની પોલીસ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલ્વે સ્ટેશન પર RPF જવાનો તૈનાત: અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે કોઇ જાતની દુર્ઘટના ન બને કે ચોરીની ઘટના ન બને તે માટે રેલ્વે સ્ટેશન પર સતત એનાઉન્સમેન્ટ કરવામાં કરવામાં આવી રહ્યું છે. તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વેઇટીંગ માટે પહેલા પ્લેટફોર્મની બહાર ટેન્ટ બાંધવામાં આવ્યા છે આ ઉપરાંત યાત્રીઓ માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:
- વડાપ્રધાન મોદી સરદાર જયંતીએ SOU એક્તાનગર ખાતે ₹284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
- રાજકોટના સોની વેપારીઓને ધનતેરસ ફળી, ઉપલેટાની દુકાનોમાં જોવા મળી ગ્રાહકોની ભીડ