અમદાવાદ: દેશમાં સૌથી વધુ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ અપાતું હોવાનો દાવો ભલે કરવામાં આવી રહ્યો છે પરંતુ ખુદ જુનિયર તબીબઓ આ વાતનું ખંડન કર્યુ છે અને સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે ફરી એકવાર હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જુનિયર ડોક્ટર એસોસિયેશને બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદના પ્રતિનિધિઓ તરીકે જણાવ્યું હતું કે, તેઓ સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડૉક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024 ના રોજ પૂર્ણ થયેલ હતા. આથી અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024 થી અમારા સ્ટાઈપેન્ડમાં 40% ના વધારા માટે હતી.
તારીખ 9 જુલાઈ, 2024 ના રોજ આરોગ્યમંત્રી સાથે થયેલી મુલાકાતમાં અમોને સ્ટાઈપેન્ડમાં 40% ના વધારાનું આશ્વાસન આપેલ હતું. જેથી સરકાર પર વિશ્વાસ રાખીને આંદોલન મોકૂફ રાખ્યું હતું. ત્યાર બાદ સતત 10 થી 12 મુલાકાતો તેમજ છેલ્લાં છ મહિનાની મહેનત તથા સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર 20% નો અસંતોષકારક વધારો આપ્યો.