અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2025-26નું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTSનું 705 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. જેમાં આવનારા દિવસોમાં 445 નવી એસી બસોનો ઉમેરો કરવામાં આવશે. આ સાથે ચાર નવી ડબલ ડેકર બસોનો પણ ઉમેરો થશે. આની સાથે વિધવા બહેનોને ટિકિટ માં 50% અને રાહતની જાહેરાત કરવામાં આવી છે અને ધોરણ 10 પછી વિદ્યાર્થિનીઓ માટે 85% ટિકિટ રાહતની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે એમ.જે લાઈબ્રેરી તથા વી.એસ હોસ્પિટલનું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
1947થી અમદાવાદમાં AMTS બસોનું સંચાલન
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના 2025-26ના બજેટ અંગેની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ધરમશીભાઇ દેસાઇ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં તા. 1 એપ્રિલ 1947થી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ 112 બસો અને 38 રૂટો સાથે શરૂ કરવામાં આવેલી. જેનો વ્યાપ આજે વધીને દૈનિક અંદાજીત 764 બસો અને 164 ઓપરેશનલ રૂટોથી અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં અ.મ્યુ.ટ્રા.સ.ની બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ શહેરનો વિસ્તાર 480.88 ચો.કી.મી.થી વધીને 505 ચો.કી.મી.નો થવાથી ઔડાના ગામો જેવા કે પૂર્વમાં મહેમદાવાદ, બારેજડી, પશ્ચિમમાં સાણંદ, મટોડા પાટીયા, સાઉથ બોપલ, શેલા, મોટી ભોયણ, થોળ, ત્રિમંદિર, મેડાઆદરજ, ઉત્તરમાં કલોલ, વહેલાલ, ડભોડા, દહેગામ, દક્ષિણમાં વાંસજડા, બાકરોલ, સરીગામ, બાવળા વિગેરે ગામડાઓમાં પણ એ.એમ.ટી.એસ.ની બસ સુવિધા આપવામાં આવે છે.