મહેસાણા: મહેસાણામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. લગભગ 3 દાયકા પહેલા પોતાની પ્રેમિકાનું અપહરણ કરવાના આરોપમાં 48 વર્ષના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, આ વ્યક્તિ છેલ્લા 27 વર્ષથી પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરીને રહેતો હતો અને તેમને સંતાનમાં 4 પુત્રીઓ અને બે પૌત્રો પણ છે. જોકે વર્ષો બાદ આ રીતે બે પૌત્રોના નાનાની ધરપકડની ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.
21 વર્ષની ઉંમરે પ્રેમિકાને ભગાડી ગયો:વિગતો મુજબ, રાજસ્થાનના અજમેરના વ્યક્તિએ વર્ષ 1997માં પોતાની પ્રેમિકાને ભગાડી લઈ જઈને તેની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ દરમિયાન યુવતીના પરિજનોએ યુવક પર દીકરીનું અપહરણ કરવાનો ગુનો નોંધાવ્યો હતો. ઘટના સમયે યુવકની ઉંમર 21 વર્ષની હતી. ભાગીને આવેલા પ્રેમી કપલે મહેસાણા જિલ્લાના એક ગામમાં ઘર સંસાર માંડ્યો હતો અને તેમને સંતાનમાં 4 પુત્રીઓ હતી.
પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ:જોકે તાજેતરમાં જ મહેસાણા પોલીસને માહિતી મળી હતી કે, ભાગેડુ જાહેર કરાયેલ અપહરણકર્તા, જેની સામે લગભગ ત્રણ દાયકા અગાઉ ગુનો નોંધાયો હતો, તે આ વિસ્તારમાં ઓટો રીક્ષા ચાલક તરીકે રહે છે.
રીક્ષા ચાલકના ઘરે પહોંચી પોલીસ ચોંકી ગઈ: ઘટના અંગે મહેસાણા પોલીસના નરેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું કે, જ્યારે પોલીસ આ વ્યક્તિના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે, તેણે જે મહિલાનું અપહરણ કર્યું હતું તે તેની પત્ની તરીકે સાથે રહે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, તેની પત્નીએ બંને સાથે સુખેથી રહેતા હોવાનું કહ્યું છતાં અમારી પાસે વ્યક્તિની ધરપકડ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. તેણે તેમની ચાર દીકરીઓ તથા બે પૌત્રોના પૂરાવા પણ રજૂ કર્યા અને કહ્યું કે, તેના પરિવાર સાથે કોઈ દુશ્મની નથી.
કોર્ટે જામીન પર રીક્ષા ચાલકને મુક્ત કર્યો: ખાસ બાબત એ છે કે મહિલાના પિતાનું થોડા વર્ષો પહેલા જ નિધન થઈ ગયું હતું અને તેના ભાઈને અપહરણની ફરિયાદ નોંધાવી હોવાનું યાદ નથી. 2 ઓક્ટોબરે ધરપકડની ઘટના બાદ કોર્ટે આ રીક્ષા ચાલકને જામીન પર મુક્ત કર્યો છે. એક અધિકારીએ આ ઘટના અંગે આટલા વર્ષોમાં પરિવાર વચ્ચે થઈ ગયેલા સમાધાન અંગે પોલીસને જાણ ન કરતા ગૂંચવણ ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો:
- રાજકોટ મનપાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાએ કરેલ જામીન અરજી પર, 14 ઓક્ટોબરના રોજ સુનવણી
- સુરતમાં ગેંગરેપ કેસમાં પકડાયેલા આરોપીનું મોત, તબિયત લથડતા સિવિલમાં વેન્ટિલેટર પર રખાયો હતો