જુનાગઢમાં પગલુછણિયાની ચોરી (Etv Bharat Gujarat) જુનાગઢ: સમય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, વર્ષો પહેલા હીરા, જવેરાત, સોનુ અને ચાંદી રોકડ રકમ કે કિંમતી ચીજ વસ્તુઓની ચોરી અને લૂંટના બનાવો અનેક વખત પ્રકાશમાં આવ્યા છે, પરંતુ આજના જમાનામાં હવે મામુલી ગણાતા પગલુછણીયા પણ ચોરાઈ શકે છે અને હવે પગલુછણિયા પર પણ પહેરો મૂકવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે કે, સોશિયલ મીડિયામાં કારમાં આવેલી એક બુકાનીધારી મહિલા શોરૂમની બહાર રાખવામાં આવેલું પગલુછણીયુ ચોરી જતા પગલુછણીયાની ચોરીની આ ઘટનાની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
પગલુછણીયાની ચોરી: પગલુછણિયાની ચોરીની આ ઘટના બની છે જૂનાગઢમાં, કોઈ પણને વિશ્વાસ ન આવે તે પ્રકારની પગલુછણિયાની ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જૂનાગઢની માંગનાથ બજારમાં રાત્રિના સમયે પગલુછણીયુ ચોરવા માટે મોઢે બુકાની બાંધીને કારમાં આવેલી એક મહિલા શોરૂમની બહાર પડેલા પગલુછણીયાની ચોરી કરીને પલાયન થઈ જાય છે, જોકે, તેની આ હરકત સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઈ જાય છે.
પોલીસમાં પહોંચ્યો મામલો: સાવ મામૂલી કહી શકાય તેવા પગલૂછણીયાની ચોરીની ઘટનાથી માંગનાથ વેપારી એસોસિએશન પણ ચોંકી ગયું છે. સુખી સંપન્ન ઘરની મહિલા પગલુછણીયા જેવી સામાન્ય ચીજ વસ્તુઓની ચોરી કરે તેને લઈને વેપારીઓ પણ ચોંકી ગયા છે. ચોરીની ઘટનાનો વીડિયો વેપારી એસોસિએશન જુનાગઢ એ ડિવિઝન પોલીસને પૂરો પાડ્યો છે, ચોરી કરવા માટે કારમાં આવેલી મહિલાને લઈને કોઈ ખુલાસો થાય તેવી પૂરી શક્યતા છે. પરંતુ એક સામાન્ય પગલૂછણીયાની ચોરી અને તે પણ કારમાં આવેલી એક મહિલાએ કરી છે જેને લઇને આ કિસ્સો જુનાગઢ શહેરમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.
મહિલાની ઓળખ માટે પ્રયાસ:મહત્વપૂર્ણ છે કે, જુનાગઢની માંગનાથ બજારમાં સતત નાની મોટી ચીજ વસ્તુઓની ચોરીની ઘટના બનતા વેપારી એસોસિએશનને સમગ્ર બજારમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેમાં કપડા, સાડી, ડ્રેસ, રમકડા, કટલેરી આવી નાની-નાની ચીજ વસ્તુઓની ચોરી કરતી મહિલાઓ કેમેરામાં બાદ રીતે ઝડપાઈ ગઈ છે, ત્યારે આ સંસ્કરણમાં હવે પગલુંછણીયાની ચોરીનો કિસ્સો પણ સામેલ થયો છે. જેને લઈને વેપારી એસોસિએશનના મંત્રી હિતેશ સંઘવીએ એ ડિવિઝન પોલીસને સમગ્ર ઘટનાનો વીડિયો સોંપીને પગલુછણિયાની ચોરી કરતી આ મહિલાની ઓળખ થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
- Junagadh Crime: ભિક્ષુકોથી સાવધાન, ઘરફોડ ચોરી કરતી મહિલા ભિક્ષુક ઝડપાઈ
- સોના કે ચાંદીની નહીં મહિલાએ કરી રમકડાની ચોરી, CCTVમાં ચોરી કરતી આબાદ ઝડપાઈ - junagarh theft