કચ્છ :હવે સમાજમાં શિક્ષણનું સ્તર વધતા ગેરમાન્યતાને પછાડીને મહિલાઓના ઉજ્વળ ભવિષ્ય માટે દીકરીઓ વધારે શિક્ષણ મેળવી રહી છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામના નિલમબેન ભીમાણી કચ્છના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા છે. તેઓ ડ્રોનની મદદથી હવે ખેતી કરશે. નિલમબેન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.
નમો ડ્રોન દીદી યોજના : સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત દેશની મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવે છે. જેના માટે તેમને ડ્રોન ઉડાવવા અંગેની તાલીમ પણ સરકાર દ્વારા જ આપવામાં આવે છે. ડ્રોન પાયલોટ તરીકે તાલીમ મેળવ્યા બાદ હવે નિલમબેન જિલ્લાના એવા પહેલા મહિલા ખેડૂત છે જેઓ આધુનિક પદ્ધતિની મદદથી ડ્રોનથી ખેતી કરશે.
કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ :કચ્છના નિલમબેન ભીમાણી કેન્દ્ર સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત 10 દિવસની તાલીમ તેમજ લાયસન્સ માટે વડોદરા ગયા હતા. દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં તેમણે સફળ ડ્રોન ફ્લાય કરીને ડ્રોન પાયલોટ તરીકે નામના મેળવી છે. સાથે જ આઇડી તેમજ લાયસન્સ પણ તેમને મેળવ્યું છે. આગામી સમયમાં સરકાર દ્વારા તેમને ડ્રોન મોકલી આપવામાં આવશે. જેના ઉપયોગથી તેઓ પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને કરશે. આ તાલીમ દરમિયાન સમગ્ર ગુજરાતની 20 જેટલી મહિલાઓ જોડાઈ હતી. જેમાં કચ્છમાંથી 2 મહિલાઓએ આ તાલીમ મેળવી હતી.
ખેડૂતો માટે વરદાનરૂપ ડ્રોન ટેકનોલોજી :ખેતીમાં ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને ખર્ચમાં પણ ઘણી રાહત મળી રહી છે. ડ્રોનથી સમયનો બચાવ તો થાય જ છે, સાથે સાથે ખર્ચમાં પણ બચત થાય છે. ડ્રોનની મદદથી મોટા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ કરી શકાય છે. ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને તેના વિશે જાગૃત કરવા માટે કૃષિ મંત્રાલયે ડ્રોન ખરીદવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVKs) અને રાજ્ય કૃષિ યુનિવર્સિટી જેવી સરકારી ICAR સંસ્થાઓને 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવાની સુવિધા આપવામાં આવે છે.