નવસારી: જિલ્લામાં 2 દિવસોથી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. ગત મોડી રાત્રે નવસારીના જલાલપુર અને ખેરગામ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ઝીંકાયો હતો. જો કે બાકીના તાલુકાઓમાં નહિવત વરસાદ જોવા મળ્યો છે. પરંતુ ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લામાં પણ જે વરસાદ થયો છે. તેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જળસ્તર વધી રહ્યું છે.
પૂર્ણા નદીના જળ સ્તરમાં થયો વધારો: ઉપરવાસના તાપીના દોલવણ અને ડાંગના સુબીર તાલુકામાં અઢીથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે પૂર્ણ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. તેના કારણે નીંચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. સાથે જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પૂર્ણાના પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડશે.