પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા ત્રણ વર્ષની હતી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો માં મુજે પાની દે. જોકે તેની માતા ગીતાબેન અભણ હોવાથી તેઓને કંઈ ગતાગમ પડતી ન હતી.
આ ઉપરાંત પરિવારમાં પણ જ્યારે દક્ષા હિન્દી બોલતી હોય ત્યારે તેઓને એમ લાગતું કે તે લવારા કરે છે. અને તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર, કોઈપણ પ્રકારના ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા ગામના સૌ કોઈ અચંબામાં મુકાયા છે. આ ઉપરાંત તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે. તેવું જણાવવામાં આવ્યું છે અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા. અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે બાળકી મરી ગઈ હોવાનું પણ દક્ષા રટણ કરે છે.