રાજકોટઃરાજકોટમાં સોની પરિવારનો સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના વેપારીને આપેલા સોનાના માલના કરોડો રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પીધી હતી, જેથી તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
શું છે ઘટનાની સમગ્ર વિગતો? બનાવની પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ રાજકોટના ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પરિવારના બીજા 8 સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ સભ્યોએ શરબતમાં ઉધઈ મારવાની દવા નાખી પી લીધી હતી. જો કે બધા સભાન હતા પણ ચક્કર આવતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તબીબે તપાસ કરતા લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે, મુંબઇના ચાર વેપારી કે, જેઓ એકબીજાના ભાગીદાર છે. તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધું હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનું ખરીદી કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોય ઘરમાં અને વેપારમાં આર્થિક ભીંસ ઊભી થતાં કંટાળીને અમે સામૂહિક આપઘાતનો નિર્ણય કર્યો હતો.