કચ્છ :ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ હસ્તકલા અને પ્રવાસ સાથે ભૌગોલિક રીતે પણ અનેરું મહત્વ ધરાવે છે. કચ્છની ધરામાં માનવ ઉત્ક્રાંતિના લાખો-કરોડો વર્ષ જૂના પુરાવા પણ ધરબાયેલા છે. વખતોવખત વૈજ્ઞાનિકો અને ભૂસ્તર ક્ષેત્રના સંશોધકો, તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરીને અમૂલ્ય વારસો કહી શકાય તેવા અવશેષો શોધવામાં આવે છે. આવા જ 10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ કચ્છી NRI સંશોધક ડૉ. હીરજી ભુડિયાને મળી આવ્યા છે.
10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ :વિશ્વપ્રસિદ્ધ હિમાલયની પર્વતમાળામાં આવેલ શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. કચ્છના ટપ્પર ડેમ પાસેથી 1 કરોડ 5 લાખ એટલે કે 10.5 મિલિયન વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ મળી આવ્યા છે. જેની શોધ અને દાવો કચ્છી NRI સંશોધક ડૉ. હિરજી ભુડિયાએ કર્યો છે.
કચ્છમાં મળ્યા 10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ (ETV Bharat Gujarat) 'માયોસીન' યુગના શિવાલિક પીથેક્સના જીવાશ્મિ :નોંધનીય છે કે, 19મી સદીમાં સૌપ્રથમ હિમાલય પર્વતમાળામાંથી સંશોધકોને વાનરના અશ્મિ મળ્યા હતા. આ વાનર જીવાશ્મિ 'માયોસીન' યુગના શિવાલિક પીથેક્સ (ગ્રીક ભાષામાં અર્થ વાનર) હોવાનું સામે આવ્યું હતું. વર્ષોથી પેલિઓન્ટોલોજી વિષય પર અભ્યાસ કરતા મૂળ કચ્છના અને હાલમાં લંડનમાં વસતા સંશોધક ડૉ. હિરજી ભુડિયાના અનુસાર, અંજારના ટપ્પર ડેમ નજીકથી મળેલા અશ્મિમાં વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાનો સમાવેશ થાય છે.
મૂળ કચ્છી NRI સંશોધક ડૉ. હીરજી ભુડિયા :11 વર્ષ અગાઉ અંજારના ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી એક રિસર્ચ દરમિયાન વાનરના દાંતના જીવાશ્મિ મળ્યા હતા. આ જીવાશ્મિ જોયા બાદ ડૉ. હિરજી ભુડિયાએ પણ સંશોધન કરનાર વિદ્યાર્થીઓને મળીને ચર્ચા વિચારણા કરવા માટે પ્રયત્નો કર્યા. ત્યારબાદ તેઓએ ખુદ ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ શરૂ કરી હતી. વર્ષ 2019માં તેઓ રિસર્ચ શરૂ કરવા માટે કચ્છ આવવાના હતા, પરંતુ કોરોનાકાળ નડી ગયો. વર્ષ 2023 માં તેઓ કચ્છ આવ્યા, પરંતુ વ્યસ્તતાના કારણે ટપ્પર ડેમ વિસ્તારમાં ન જઈ શક્યા.
10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ (ETV Bharat Gujarat) વાનરના થાપા અને હાથ-પગના હાડકા મળ્યા :આખરે આ વર્ષે ડૉ. હિરજીએ ટપ્પર ડેમ સાઈટમાં રિસર્ચ કર્યું અને આ જીવાશ્મિ મળી આવ્યા. ડૉ. હિરજી ભુડિયાને લાંબી મહેનત બાદ વાનરના આ જીવાશ્મિ શોધવામાં સફળતા મળી અને આ સંદર્ભે વધુ સંશોધન પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સંશોધકને જીવાશ્મિમાં વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાં મળી આવ્યા છે. આગામી સમયમાં તેની ખોપરી અને કરોડરજ્જુના અવશેષો મળી આવે તે દિશામાં સંશોધન હાથ ધરવામાં આવશે.
કોણ હતા શિવાલીક પીથેક્સ (વાનર) ?પેલિઓન્ટોલોજીસ્ટમાં સમાવિષ્ટ એવી જુદી-જુદી થિયરી અંગે ડૉ. હિરજી ભુડિયાએ જણાવ્યું હતું કે, કરોડો વર્ષ જૂના વાનરોના જીવાશ્મિ અંગે વિશ્વના ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે. એટલે કે આપણા પૂર્વજો વાનરો હતા. જોકે, આ વાનરો માનવના પૂર્વજ વાનરથી થોડા જુદા જ હતા. જ્યારે દુનિયાના કેટલાંક પેલિયોન્ટોલોજિસ્ટ શિવાલીક પીથેક્સને વર્તમાન ઉરાંગ-ઉટાંગ અને ગોરીલાના પૂર્વજ માને છે.
વાનરના થાપા અને હાથ-પગના હાડકા મળ્યા (ETV Bharat Gujarat) ડૉ. હિરજી ભુડિયાનો દાવો :ડૉ. હિરજી ભુડિયાના જણાવ્યા અનુસાર આ વાનરો આ વિસ્તારમાં પાણી અને ખોરાકની શોધમાં આવ્યા હશે. આ ટપ્પર ડેમ વિસ્તારમાં માછલી ખાવા માટે આવ્યા હોય અને પાણીના સ્લોપ વિસ્તાર પર પાણીના કારણે સરકયા હશે અને પડ્યા હશે, તેમજ હાડકામાં નુકસાન તેમજ ઘસારો થયો હશે. જે આ હાડકાના જીવાશ્મિ પરથી જાણી શકાય છે. વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાં પરથી જાણી શકાય છે કે આ વાનરો કેવી રીતે રહેતા હશે.
પેલિઓન્ટોલોજી મુજબ અંજારના ટપ્પર ડેમ પાસેથી મળી આવેલ આ વાનર જીવાશ્મિ 'માયોસીન' યુગના શિવાલિક પેથિક અથવા પીથેક્સ તરીકે ઓળખાય છે. ગ્રીક ભાષા મુજબ Pithecus એટલે વાનર એવો અર્થ થાય છે. પેલિઓન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલ્સના આધારે વિવિધ પ્રકારની સંભાવનાઓને તપાસતું શાસ્ત્ર.
ટપ્પર રેન્જમાં સંશોધન (ETV Bharat Gujarat) સૌપ્રથમ વખત ક્યાં મળ્યા હતા વાનરના અશ્મિ ?ઉલ્લેખનીય છે કે, ભારતમાં શિવાલિક પીથેક્સ યુગની અશ્મિઓ હિમાલયન રેન્જની શિવાલિક પર્વતમાળાઓ અને ફક્ત કચ્છમાં એમ બે જ જગ્યાએ જોવા મળે છે. શિવાલીક શબ્દ ભગવાન શિવ સાથે સંકળાયેલો છે અને 19મી સદીમાં સૌપ્રથમ વખત હિમાલય વિસ્તારમાંથી વાનરના અશ્મિ મળ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક પેલિયોન્ટોલોજિસ્ટ શિવાલીક પીથેક્સને રામ પીથેક્સ તરીકે પણ માને છે.
પેલિયોન્ટોલોજિસ્ટ તરીકે સંશોધન કરતા ડૉ. હિરજી :ડૉ. હિરજી ભુડિયા કે જેઓ અનેક વર્ષોથી પેલિયોન્ટોલોજિસ્ટ તરીકે સંશોધન કરે છે. તેઓ મૂળ કચ્છના જિલ્લામથક ભુજ તાલુકાના માધાપર ગામના વતની છે અને હાલમાં તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયા છે. ભૂતકાળમાં તેઓ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ કાર્યરત હતા. ડૉ. હીરજી ભુડિયાએ પોતાનો અભ્યાસ મેડિસિન ક્ષેત્રે કર્યો છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તે પેલિઓન્ટોલોજી ક્ષેત્રે અનેક રીસર્ચ કરી રહ્યાં છે.
કચ્છમાં મળ્યા 10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ (ETV Bharat Gujarat) જિયોલોજિકલ હેરિટેજ ઓફ કચ્છ :ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1.5 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવતા, અંદાજ લગાવી શકાય કે કચ્છ કેટલું ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને કચ્છની ધરા અમૂલ્ય અવશેષો સાચવીને બેઠી છે. સમગ્ર કચ્છ એક જિયોલોજિકલ હેરિટેજ છે. કચ્છમાં વિવિધ જીઓલોજીકલ હેરિટેજ સાથેની સમૃદ્ધ સાઇટ્સ છે કે જ્યાં સંશોધન કરવામાં આવે તો અનેક અવશેષો પ્રાપ્ત થાય તેમ છે.
કચ્છમાં મળ્યા વાસુકિ નાગના અશ્મિઓ :થોડા સમય પહેલા જ કચ્છની કુળદેવી મા આશાપુરાના સ્થાનક એવા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ પાસે આવેલી GMDC ખાણ નજીકથી 47 મિલિયન વર્ષ પહેલાંના 49 ફૂટ લાંબા સાપના એટલે કે વાસુકિ નાગના અશ્મિઓ મળી આવ્યા હતા, જે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
- ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ વુડના ટુકડા ચોરાયા
- વૈજ્ઞાનિકોને મળ્યું દરિયાઈ ગાયનું લાખો વર્ષ જૂનું હાડપિંજર, ખુલ્યા રસપ્રદ રહસ્યો