તમિલનાડુ: રણજી ટ્રોફીના બીજા તબક્કામાં તમિલનાડુના યુવા બેટ્સમેન આન્દ્રે સિદ્ધાર્થે શાનદાર ઇનિંગ રમી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તમિલનાડુના સેલમ ક્રિકેટ ફાઉન્ડેશન સ્ટેડિયમમાં ચંડીગઢ અને તમિલનાડુની ટીમ વચ્ચે ગઇકાલ એટલે કે 23 જાન્યુઆરીના રોજ જે મેચ રમાઈ હતી તેમાં તમિલનાડુની ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે આ જમણા હાથના બેટ્સમેને ટીમને 301 રન સુધી પહોંચાડી.
આન્દ્રે સિદ્ધાર્થ આ નામ યાદ રાખવા જેવુ છે કારણ કે, તે ભવિષ્યનો અદભૂત ખેલાડી બનવાની ક્ષમતા ધરાવે છે. હા, ચેન્નાઈ સુપર કિંગ્સે આ 18 વર્ષના ખેલાડી પર દાવ લગાવ્યો છે અને હવે આ ખેલાડીએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. રણજી ટ્રોફી મેચમાં ચંદીગઢ સામે આન્દ્રે સિદ્ધાર્થે 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 106 રનની શાનદાર ઇનિંગ રમી. સિદ્ધાર્થની આ સદી ખાસ છે કારણ કે, તેણે આ ઇનિંગ એવા સમયે રમી હતી જ્યારે તેની ટીમ મોટી મુશ્કેલીમાં હતી.
આન્દ્રે સિદ્ધાર્થનું અદ્ભુત પ્રદર્શન:
જગદીશન અને વિજય શંકર જેવા ખેલાડીઓના આઉટ થયા પછી, ચેન્નાઈની ટીમે 126 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આન્દ્રે સિદ્ધાર્થ ક્રીઝ પર આવ્યો અને મુક્ત બેટિંગ કરતી વખતે તેણે ચંદીગઢના બોલરોને કઠિન સમય આપ્યો. આન્દ્રે સિદ્ધાર્થે કુલ આક્રમણની રણનીતિ અપનાવીને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પહેલી સદી ફટકારી. સિદ્ધાર્થની આ ઇનિંગને કારણે તમિલનાડુનો સ્કોર 300 રનથી વધુ પહોંચી શક્યો.