બાર્બાડોસ (વેસ્ટ ઈન્ડિઝ): T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી ભારતે જીતી લીધી છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ગઈકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ, બ્રિજટાઉનમાં રમાઈ હતી. ભારતીય ટીમ 11 વર્ષના ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા તેનું પ્રથમ ICC ટાઇટલ જીતવા માટે આશાસ્પદ હતું. આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે, તેથી બંને ટીમો વચ્ચે કપરો મુકાબલો ખેલાયો હતો.
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ભારતે આપેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રનમાં સમેટાઈ ગઈ હતી અને 7 રનથી મેચ હારી ગઈ હતી.
આ મેચમાં હેનરિક ક્લાસેન (52) અને ડેવિડ મિલર (21) એ ભારતના હાથમાંથી લગભગ મેચ છીનવી લીધી હતી. જીતવા માટે દક્ષિણ આફ્રિકાને છેલ્લી 3 ઓવરમાં 18 બોલમાં 22 રન બનાવવાના હતા. આ પછી જસપ્રીત બુમરાહે 18મી ઓવરમાં 2 રન આપી માર્કો જેન્સેનની વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાને અંતિમ 12 બોલમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. આ પછી અર્શદીપ સિંહે 19મી ઓવરમાં 4 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા ઇનિંગની છેલ્લી ઓવર લાવ્યો હતો. આ ઓવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર હતી.