કટક: બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ભારત - ઈંગ્લેન્ડ બીજી વનડે મેચમાં કેપ્ટનમ રોહિત શર્મા તેના જૂના અવતારમાં દેખાઈ રહયો છે, જેની સૌ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ભારતનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ બાબતમાં તેણે મહાન ક્રિકેટર અને દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ બારાબાતી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન રોહિતે એક અવિશ્વસનીય સિદ્ધિ હાંસલ કરી છે.
સચિન તેંડુલકર 346 મેચમાં 48.07 ની સરેરાશથી 15,335 રન સાથે બીજા સ્થાને હતા. 37 વર્ષીય રોહિત તેંડુલકરના સ્કોરથી માત્ર 50 રન પાછળ હતો અને તેણે પોતાના ખાસ શોટથી ચોગ્ગો ફટકારીને તેંડુલકરને પાછળ છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઓપનરોમાં વીરેન્દ્ર સેહવાગ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે, જેમણે 321 મેચોમાં 41.90 ની સરેરાશથી 15,758 રન બનાવ્યા છે. આ સાથે રોહિતે તેની 58મી આંતરરાષ્ટ્રીય વનડે સદી ફટકારી છે.
રોહિત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન સનથ જયસૂર્યા ટોચના સ્થાને છે, ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેઈલ, ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર ઓપનર ડેવિડ વોર્નર, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ હેન્સ અને સેહવાગનો ક્રમ આવે છે.