નવી દિલ્હી : રણજી ટ્રોફી 2023-24ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ મુંબઈ અને બરોડા વચ્ચે શરદ પવાર ક્રિકેટ એકેડમી સ્ટેડિયમ (BKC) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના બે ખેલાડીઓ તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ એવું ઐતિહાસિક પ્રદર્શન કર્યું કે તેમનું નામ સુવર્ણાક્ષરે પાનામાં નોંધાઈ ગયું. 10 અને 11માં નંબર પર બેટિંગ કરતા બંને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 78 વર્ષ બાદ કરિશ્માનું પ્રદર્શન કર્યું છે.
તનુષ-તુષારે રચ્યો ઈતિહાસ :બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈએ બીજી ઈનિંગમાં 337 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી 10 અને 11મા નંબરના બેટ્સમેન તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ મળીને પોતાની ટીમનો સ્કોર 569 રન સુધી પહોંચાડ્યો હતો. 10માં નંબર પર બેટિંગ કરતા તનુષે 129 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તે જ સમયે, તુષારે 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 123 રનની શાનદાર ઇનિંગ રમી હતી.