દુબઈ: 14 ઓક્ટોબરે રમાયેલ મેચમાં જો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હોત તો ભારતીય ટીમ સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લેત, પરંતુ આ મેચમાં પાકિસ્તાની ફિલ્ડરોએ શરમજનક ફિલ્ડિંગ કરી હતી અને બે-ચાર નહીં પરંતુ 8 કેચ છોડ્યા હતા.
UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે અને આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે કે નહીં તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચના પરિણામ પર નિર્ભર હતું, પરંતુ આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીએ ધબડકો વાળ્યો અને ભારત પણ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું.
સોમવારે રમાયેલ પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રને હરાવ્યું. આ મેચ બાદ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ તેની ખરાબ ફિલ્ડિંગને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કારણ કે, આ મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ એક નહીં, બે નહીં પરંતુ 8 કેચ છોડ્યા હતા.
ગઈકાલની મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ટીમની બોલિંગ સારી રહી હતી, જેના લીધે ન્યૂઝીલેન્ડ માત્ર 110 રન બનાવી શક્યું હતું, પરંતુ પાકિસ્તાની ફિલ્ડરોએ અતિશય ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન કરતાં 8 કેચ છોડ્યા ન હોત તો ન્યુઝીલેન્ડ 60-70 રનમાં સમેટાઇ ગયું હોત અને ભારતને સેમીફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ હોત.