દુબઈ: આજે ચેમ્પિયન્સ ટ્રોફીનો સૌથી મોટો મુકાબલો ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહ્યો છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ટોસ હારી ગયો. મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પાકિસ્તાનનો ઓપનર બેટ્સમેન ફખર ઝમાન ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, તેથી ઇમામ ઉલ હકને તક આપવામાં આવી છે. આ દરમિયાન, જ્યારે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પહેલી ઓવર નાખવા આવ્યો, ત્યારે તેણે એવી રીતે બોલિંગ કરી કે તે ચેમ્પિયન્સ ટ્રોફીનો રેકોર્ડ તોડવામાં માંડ માંડ બચી ગયો.
પહેલી ઓવરમાં જ 5 વાઈડ બોલ:
જ્યારે ટીમ ઈન્ડિયા બોલિંગ કરવા માટે ઉતરી ત્યારે પહેલી ઓવર મોહમ્મદ શમીને આપવામાં આવી. એવી અપેક્ષા હતી કે શમી પહેલી જ ઓવરમાં પાકિસ્તાનને ઝટકો આપશે, પરંતુ થયું ઊલટું. મોહમ્મદ શમીએ પહેલી ઓવરમાં ઘણા વાઈડ બોલ ફેંક્યા. સામાન્ય રીતે એક ઓવરમાં 6 બોલ ફેંકવામાં આવે છે, પરંતુ શમીએ તે ઓવરમાં 11 બોલ ફેંક્યા, કારણ કે શમીએ તે ઓવરમાં 5 વાઈડ ફેંક્યા હતા. શમી પહેલા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફક્ત બે બોલર હતા જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી મેચની પહેલી ઓવરમાં આટલા વધારાના રન આપ્યા હતા.
તિનાશે પાન્યાંગારાના નામે આ રેકોર્ડ:
2004ની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં, ઝિમ્બાબ્વેના બોલર તિનાશે પાન્યાંગારાએ ઇંગ્લેન્ડ સામે પહેલી ઓવર નાખી અને તેમાં 7 વાઈડ ફેંકી. તે જ વર્ષે, 2004 માં, ઇંગ્લેન્ડના ડેરેન ગોફે પણ વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં 7 વાઈડ બોલ ફેંક્યા હતા. 2006માં મોહાલી ખાતે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં બાંગ્લાદેશ સામે શ્રીલંકાના ચામિંડા વાસે પહેલી ઓવરમાં 6 વાઈડ બોલ ફેંક્યા હતા. આ પછી, હવે મોહમ્મદ શમીનો વારો છે. તેણે દુબઈમાં પાકિસ્તાન સામેની પહેલી ઓવરમાં 5 વાઈડ બોલ ફેંક્યા હતા. જો શમીએ એક કે બે વધુ વાઇડ બોલ ફેંક્યા હોત, તો તે ટોચના સ્થાને પહોંચી શક્યો હોત.
5 વાઈડ બોલ ફેંકનાર પ્રથમ ભારતીય બોલર:
શમીએ ઓવરની શરૂઆત સારી કરી, પરંતુ પછીનો જ બોલ વાઈડ હતો અને તે પછી તેણે આ ઓવરમાં એક પછી એક 5 વાઈડ બોલ ફેંક્યા. આનો અર્થ એ થયો કે શમીને ઓવર પૂરી કરવા માટે ૧૧ બોલ ફેંકવા પડ્યા, જેનાથી પાકિસ્તાનને સારી શરૂઆત મળી. જોકે તે ઓવરમાં ફક્ત 6 રન જ બન્યા હતા, પરંતુ પાકિસ્તાની ઓપનર કોઈ દબાણ હેઠળ દેખાતો ન હતો. આ સાથે, શમી ODI ક્રિકેટમાં એક ઓવરમાં 5 વાઈડ બોલ ફેંકનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. તે વનડેમાં ૧૧ બોલનો ઓવર નાખનાર ત્રીજો ભારતીય બોલર પણ બન્યો. તેમના પહેલા ઝહીર ખાન અને ઇરફાન પઠાણે પણ ૧૧-૧૧ બોલની ઓવર ફેંકી હતી
આ પણ વાંચો:
- PAK vs IND LIVE: ભારત ટોસ હારતાની સાથે કેપ્ટન રોહિતે બનાવ્યો આ અનોખો રેકોર્ડ
- બાપુએ માર્યો ડાયરેક્ટ થ્રો, હાર્દિકે ઝડપી પહેલી વિકટ, અહીં જાણો PAK vs IND મેચનો લાઈવ સ્કોર