મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા મહિલા T20 વર્લ્ડ કપની હોસ્ટિંગ માટે આપવામાં આવેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે. આઈસીસીએ હવે 20 ઓગસ્ટે હોસ્ટિંગ અંગે અંતિમ નિર્ણય લેવાનો છે. 3 થી 20 ઓક્ટોબર વચ્ચે યોજાનારી આ સ્પર્ધાની હોસ્ટિંગમાંથી ખસી ગયા બાદ શ્રીલંકા અને UAE પાસે માત્ર અન્ય વિકલ્પો બચ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, 'તેઓએ (ICC) અમને વર્લ્ડ કપની હોસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી દીધી, અહીં વરસાદી વાતાવરણ છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે આવતા વર્ષે મહિલા વનડે વર્લ્ડ કપની હોસ્ટિંગ કરવાની છે. હું કોઈને ખોટો સંદેશ આપવા માંગતો નથી કે અમે સતત બે વર્લ્ડ કપની હોસ્ટિંગ કરવા માંગીએ છીએ.
બાંગ્લાદેશ હાલમાં સરકાર વિરોધી હિલચાલને કારણે હિંસા અને સુરક્ષાના પડકારો સામે ઝઝૂમી રહ્યું છે અને તેથી જ આઈસીસી બાંગ્લાદેશની જગ્યાએ હોસ્ટિંગ કરવાનું વિચારી રહી છે. બાંગ્લાદેશમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને તેમના વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.
ICCના એક અધિકારીએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે. ICCના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB), તેમની સુરક્ષા એજન્સીઓ અને અમારા પોતાના સ્વતંત્ર સુરક્ષા સલાહકારો સાથે સંકલન કરીને ત્યાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા તમામ સહભાગીઓની સલામતી અને સુખાકારી છે.