કટક (ઓડિશા): કટકમાં રમાયેલી બીજી ODI મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. ત્રણ મેચની વનડે શ્રેણીની આ મેચમાં બારાબતી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 49.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 44.3 ઓવરમાં 305 રનના ટાર્ગેટનો પીછો કરીને 33 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને 4 વિકેટે જીત મેળવીને ત્રણ મેચની વનડે શ્રેણી જીતી લીધી હતી.
આ મેચમાં શાનદાર સદી ફટકારવા બદલ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે શ્રેણીની ત્રીજી મેચ 12મી ફેબ્રુઆરીએ ગુજરાતના અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વનડે જીતીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે.
ગિલ અને રોહિત શર્માએ સદીની ભાગીદારી કરી હતી
રોહિત શર્મા અને શુભમન ગિલ ભારત માટે 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવ્યા હતા. બંનેએ 16.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 136 રનની સદીની ભાગીદારી કરી હતી. ભારતને પહેલો ફટકો ગિલના રૂપમાં લાગ્યો જ્યારે જેમી ઓવરટને તેને 60 રનના અંગત સ્કોર પર બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો. આ પછી ક્રિઝ પર આવેલો વિરાટ કોહલી કંઈ ખાસ બતાવી શક્યો નહોતો અને 5 રન બનાવીને આદિલ રાશિદનો શિકાર બન્યો હતો.
રોહિત શર્માએ 119 રનની સદીની ઇનિંગ રમી હતી
આ દરમિયાન રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીની 32મી સદી પૂરી કરી હતી. તેણે 76 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. હિટમેને 90 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 119 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ભારત માટે શ્રેયસ અય્યરે 47 બોલમાં 44 રનની ઇનિંગ રમી અને રનઆઉટ થયો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.