બેંગલુરુઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને શનિવારે ટેસ્ટના ચોથા દિવસે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. જો કે, આ જમણા હાથનો બેટ્સમેન ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તે પિચ પર રમુજી રીતે કૂદતો જોવા મળ્યો. સરફરાઝનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સરફરાઝ ખાનનો વીડિયો વાયરલ:
ભારતની બીજી ઇનિંગની 55મી ઓવરમાં સરફરાઝે બોલને બાઉન્ડ્રી તરફ આગળ ધકેલ્યો હતો. સરફરાઝનો પાર્ટનર ઋષભ પંત બીજો રન લેવા માંગતો હતો અને સરફરાઝને જોયા વિના તે લગભગ અડધી પીચ પર આવી ગયો હતો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા સરફરાઝ ખાને પિચ પર કૂદકો માર્યો અને પંતને પાછા જવા માટે કહ્યું અને તેણે પંતને મોટા રન આઉટના ભયથી બચાવ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તમને જણાવી દઈએ કે આ દરમિયાન ફિલ્ડરે ખૂબ જ સારો થ્રો કર્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર ટોમ બ્લંડેલને આ તકની જાણ ન હતી અને જ્યાં સુધી તેને આ વાતનો અહેસાસ થયો ત્યાં સુધી તે બોલને સ્ટમ્પ સુધી ફટકારવાની યોગ્ય સ્થિતિમાં ન હતો.