નવી દિલ્હી:આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટીમ આગામી સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાતે જવાની છે. સ્પોર્ટ્સ તકના અહેવાલ મુજબ, તૈયારીઓ અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓનું નિરીક્ષણ કરવા માટે ICC ટીમ આગામ થોડા દિવસોમાં (મહત્તમ 10 દિવસમાં) પાકિસ્તાન પહોંચી શકે છે.
પ્રવાસ પછી, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ટૂર્નામેન્ટના સમયપત્રક અને ટિકિટોના વેચાણની જાહેરાત કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ત્રણ સ્ટેડિયમ - લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ, કરાચીમાં નેશનલ સ્ટેડિયમ અને રાવલપિંડી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ - જ્યાં ટુર્નામેન્ટ રમાશે તેને અપગ્રેડ કરવા માટે 12.80 અબજ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું.
જોકે, ટુર્નામેન્ટમાં ભારતની ભાગીદારી હજુ નક્કી નથી, કારણ કે, 'બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) આ અંગે કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોઈ રહ્યું છે. આ દરમિયાન, PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું છે કે, તેઓ BCCIના સંપર્કમાં છે અને ભારતની ભાગીદારી પર વાતચીત ચાલી રહી છે.