ભાવનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનો ઉદ્ઘાટન સમારોહ ઇન્ડોર સ્ટેડિયમ, સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં તારીખ 5 થી 12 જાન્યુઆરી સુધી ભાવનગરમાં દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 'વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2036 ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન ઉપાડ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય તેમના દિશાદર્શનમાં ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, '2024નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાનો સ્થાપ્યા છે. ગુજરાતમાં આજે જે સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં ‘ખેલે તે ખીલે’ ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી ગુજરાતના રમતવીરોમાં ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.'
આ પ્રસંગે ગૃહ અને રમત- ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનોને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધવાનું છે. ગુજરાતમાં દેશના વિવિધ ફેડરેશનો સાથે મંત્રણા કરીને અનેક રમતોનું આયોજન કરવાનું આયોજન છે.'
અલગ અલગ ફેડરેશન દ્વારા લાખોની સહાય મળશે:
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા રૂપિયા 30 લાખ મદદની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જી.એમ.ડી.સી. દ્વારા રૂ.15 લાખ, જી.એસ.પી.સી. દ્વારા 5. 5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 10 લાખની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ 74 મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશનને ફાળવવામાં આવેલ છે. જેના ભાગરૂપે યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત સીદસર સ્પોર્ટસ સંકુલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દેશના 900 થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લેશે. 150 થી વધુ ઓફિસિયલસ અને જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિઓ ભાવનગરના મહેમાન બન્યા છે. વર્ષ-2019 માં 5 થી 12 જાન્યુઆરી સુધી 69 મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત ભાવનગરના સીદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર બાસ્કેટબોલ ક્ષેત્રે ભારતમાં પ્રખ્યાત છે અહીંથી સમયાંતરે ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે.
ખેલાડીઓને શપથ લેવડાવવામાં આવ્યા:
ખેલાડીઓએ રાસ ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ, ફેડરેશન ઓફ એશિયન બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડન્ટ શ્રી ડો. કે. ગોવિંદરાજ, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી આધાવ અર્જુન, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી શ્રી કુલવિન્દર સિંઘ ગીલ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન તથા ચેરમેન ઓફ સિલેક્શન કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી આસિફ શેખ, ગુજરાત ડીસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી ભાગીરથસિંહ જાડેજા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી શ્રી હસમુખ ધામેલીયા સહિતના આગેવાનો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:
- જામનગરના યુવરાજ અને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ ફરી બેટ હાથમાં લીધું, જુઓ વિડીયો
- ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતને ઝટકો, 9 વર્ષમાં પ્રથમ વખત આ સ્થાને સરક્યું