નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCII) દ્વારા બુધવારે 2023-24 સીઝન માટે એન્યૂઅલ પ્લેયર કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યા. આ એન્યૂઅલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર, 2023થી 30 સપ્ટેમ્બર 2024 સુધી અમલમાં રહેશે. આ કોન્ટ્રાક્ટમાં કુલ 30 પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને ગ્રેડ એ+, ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી અનુસાર કરારબદ્ધ કરવામાં આવ્યા છે. આ ગ્રેડ અનુસાર તેમની વાર્ષિક આવક નક્કી કરવામાં આવી છે.
ઐયર અને ઈશાન કોન્ટ્રાક્ટમાંથી બહારઃ બીસીસીઆઈએ બેટ્સમેન શ્રેયસ અય્યર અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને આ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખ્યા છે. જે ખેલાડીઓ આ સમયગાળામાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 વન ડે અથવા 10 T20 રમવાના માપદંડને પૂર્ણ કર્યા હોય તે આધારે ગ્રેડ માં સામેલ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમી છે. જો તેઓ ધર્મશાલા ટેસ્ટ મેચ એટલે કે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની 5મી ટેસ્ટમાં ભાગ લે છે તો તેમને ગ્રેડ સીમાં સામેલ કરવામાં આવશે. આ પ્રકારની શરતો અનુસાર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને કોન્ટ્રાક્ટ માટે લાયક ગણવામાં આવ્યા નથી.
ગ્રેડ વાઈઝ પ્લેયર્સઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 4 ક્રિકેટરોને A+ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. આર અશ્વિન અને હાર્દિક પંડ્યા સહિત કુલ 6 ક્રિકેટર્સ A ગ્રેડમાં વર્ગીકૃત કરાયા છે. ગ્રેડ બીમાં સૂર્યકુમાર યાદવ સહિત કુલ 5 ક્રિકેટર્સ છે. જ્યારે કુલ 15 ક્રિકેટર્સને ગ્રેડ સીમાં રાખવામાં આવ્યા છે. A+ ગ્રેડના ક્રિકેટર્સની આવક 7 કરોડ રૂપિયા છે. ગ્રેડ Aના ક્રિકેટર્સની વાર્ષિક આવક રૂ. 5 કરોડ, ગ્રેડ Bના ક્રિકેટર્સની વાર્ષિક આવક રૂ. 3 કરોડ અને ગ્રેડ C ક્રિકેટર્સની વાર્ષિક આવક રૂ. 1 કરોડ છે.