નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે ઘણા ખેલાડીઓ પરત ફર્યા છે અને ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે લાલ બોલની ક્રિકેટમાં વાપસી કરી છે.
કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે લગભગ 20 મહિના પછી ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરશે. રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે, જ્યારે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં 9 વિકેટ ઝડપનાર આકાશ દીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે યુવા ઝડપી બોલર યશ દયાલને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મોહમ્મદ શમી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો હોવા છતાં પસંદગીકારોના અધ્યક્ષ અજીત અગરકરે અગાઉ કહ્યું હતું કે, જમણા હાથના ફાસ્ટ બોલર બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પુનરાગમન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. બાંગ્લાદેશ સામે ભારતનું ટેસ્ટ સત્ર 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. શ્રેણીની બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુરમાં રમાશે.
આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી:
શ્રેયસ અય્યર -બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જોકે, તે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તે ફ્લોપ રહ્યો હતો.
મુકેશ કુમાર - ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમમાં જગ્યા મળી નથી. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેટલીક મેચોમાં ટીમનો ભાગ હતો.