અસ્તાના (કઝાકિસ્તાન): 12 ઓક્ટોબર, 2024 શનિવારના રોજ અહીં એશિયન ચેમ્પિયનશિપમાં દેશ માટે મેડલ સુનિશ્ચિત કરનારી આયહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જી પ્રથમ મહિલા ડબલ્સ જોડી બની.
ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતતી વખતે વિશ્વ ચેમ્પિયન ચીનને હરાવનાર મુખર્જીએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ નયોંગ અને લી યુનહીની જોડીને 10-12, 11-7, 11-9, 11-8થી હરાવી હતી. જેમાં તેમણે શાનદાર પુનરાગમન કર્યું હતું.
ભારતની વર્લ્ડની 15 નંબરની જોડી રવિવારે સેમિફાઇનલમાં જાપાનના અન્ય મજબૂત હરીફ મિવા હરિમોટો અને મિયુ કિશારા સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે ફાઈનલ પણ રવિવારે જ યોજાવાની છે.
બીજી તરફ મેન્સ સિંગલ્સમાં માનવ ઠક્કર અને માનુષ શાહની જોડીએ વિશ્વના 14 નંબરના ખેલાડી દક્ષિણ કોરિયાના જંગ વુજિનને 5-11, 11-9, 5-11, 11-9, 11-7થી હરાવી રાઉન્ડ ઓફ 32માં પ્રવેશ કર્યો છે. જે ક્વાર્ટર ફાઈનલ ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ હતો.