જુનાગઢ: આજે 17મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન ભવનાથમાં કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી 20 રાજ્યોના 570 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ચાર કેટેગરીમાં ગિરનારને આંબવા માટેની દોડ લગાવી હતી. બપોરે સ્પર્ધાના વિજેતાઓના ઇનામ જાહેર કરવામાં આવશે જેમાં સ્પર્ધામાં વિજેતા બનેલા એક થી 10 ક્રમમાં ચારેય કેટેગરીમાં 19 લાખ રૂપિયાના રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
17મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા:
આજે રમતગમત વિભાગ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 17મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી 20 રાજ્યના 570 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ગિરનારને આબવા માટે કડકડતી ઠંડીમાં વહેલી સવારે દોડ લગાવી હતી.
જેમાં મહિલાઓ માટે 2200 પગથિયા અને પુરુષો માટે 4,500 પગથિયા અંબાજી મંદિર સુધીનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું હતું સૌથી ઓછા સમયમાં ગિરનારને ચડી અને ઉતરીને આવનાર સ્પર્ધકને રાષ્ટ્રીય કક્ષાના 1 થી 10 ક્રમે વિજેતા જાહેર કરવામાં આવશે વિજેતા બનેલા સ્પર્ધકોને આજે 19 લાખ રૂપિયાના રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપીને તેમની આ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી સફળતાને પ્રોત્સાહિત કરવામાં આવશે.
એકમાત્ર જુનાગઢમાં યોજાય છે રાષ્ટ્રીય સ્પર્ધા:
ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રાષ્ટ્રીય કક્ષાની એકમાત્ર જુનાગઢમાં આયોજિત થાય છે. આ ગિરનાર પર્વત પરની સીડીઓ ચળી અને ઉતરવાની ખૂબ જ મુશ્કેલ સ્પર્ધા સતત 17 વર્ષથી આયોજિત થતી આવે છે. પ્રારંભના દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ખૂબ ઓછા રાજ્યોના સ્પર્ધકો ભાગ લેતા હતા પરંતુ આજે સ્પર્ધાનો પ્રચાર પ્રસાર અને તેમાં આપવામાં આવતા ઈનામોને કારણે આજે 20 જેટલા રાજ્યોના 570 જેટલા સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહ સાથે આ સ્પર્ધામાં જીતવા માટેનો એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસ કર્યો હતો. જેને બિરદાવવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની સાથે સામાન્ય નાગરિકો અને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ સ્પર્ધામાં સામેલ થયેલા તમામ મહિલા અને પુરુષ સ્પર્ધકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો.