અમેરિકા :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસીય પ્રવાસ પર છે. ત્યારે આજે 14 ફેબ્રુઆરી, શુક્રવારે વડાપ્રધાન મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થયો છે. જેમાં ટેરિફ, ભારત વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહીને રોકવા, વ્યાપાર સહિતના જરૂરી મુદ્દે ચર્ચા થઈ. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકની સમગ્ર માહિતી વિગતવાર...
વડાપ્રધાન મોદીને ભેટી પડ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 13 ફેબ્રુઆરી, ગુરુવાર (સ્થાનિક સમય) વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વેસ્ટ વિંગ લોબીમાં એકબીજાને શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ભેટીને કહ્યું, "અમને તમારી યાદ આવી, અમે તમને ખૂબ યાદ કર્યા." બંને નેતાઓએ ગળે મળીને ખુશી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે શપથ લીધા બાદ આ બેઠક પીએમ મોદીની અમેરિકાની પ્રથમ મુલાકાત છે.
પ્રધાનમંત્રી મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉષ્માભર્યા સ્વાગત અને મહાન આતિથ્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું, "સૌ પ્રથમ હું મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પનો ઉષ્માભર્યા સ્વાગત અને મહાન આતિથ્ય માટે આભાર માનું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને ખૂબ મહત્વ આપ્યું છે અને તેમના નેતૃત્વ દ્વારા તેને જીવંત બનાવ્યા છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમે સાથે મળીને કામ કર્યું, તે જ ઉત્સાહ, ઉર્જા અને સમર્પણનો મેં આજે પણ અનુભવ કર્યો છે. અમે માનીએ છીએ કે ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી અને સહયોગ મળીને વધુ સારી દુનિયા બનાવી શકે છે."
રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ પર ચર્ચા :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું વધાવ્યા કહ્યું કે, સંઘર્ષનો ઉકેલ વાટાઘાટોના ટેબલ પર થવો જોઈએ. સંઘર્ષમાં ભારતનું વલણ તટસ્થ નથી, પરંતુ અમે શાંતિના પક્ષમાં છે. અગાઉ પણ વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર વાત કરી અને બંને પક્ષોને વાટાઘાટો માટે આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
"ભારત તટસ્થ નથી, પરંતુ અમે શાંતિના પક્ષમાં છીએ" : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, "હું હંમેશા રશિયા અને યુક્રેન સાથે ગાઢ સંપર્કમાં રહ્યો છું. હું બંને દેશોના નેતાઓને મળ્યો છું. ઘણા લોકો ગેરસમજમાં છે કે ભારત તટસ્થ છે, પરંતુ હું પુનરાવર્તન કરવા માંગુ છું કે ભારત તટસ્થ નથી, અમે એક બાજુ છીએ, અને તે શાંતિ છે. જ્યારે રાષ્ટ્રપતિ પુતિન મારી સાથે હતા ત્યારે મેં કહ્યું હતું કે 'આ યુદ્ધનો સમય નથી'. આજે પણ મારો વિશ્વાસ છે કે યુદ્ધના ઉકેલો મેદાનમાં નહીં પણ વાટાઘાટા દ્વારા આવી શકે છે."
"2023 સુધીમાં દ્વિપક્ષીય વેપાર માટે 500 બિલિયન ડોલરનો લક્ષ્યાંક" : વડાપ્રધાન મોદી
આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકાએ 2023 સુધીમાં દ્વિપક્ષીય વેપાર માટે USD 500 બિલિયનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. બંને દેશોની ટીમો પરસ્પર ફાયદાકારક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સાથે મળીને કામ કરશે. અમેરિકાના લોકો ટ્રમ્પના સૂત્ર MAGA થી વાકેફ છે, જ્યારે ભારતના લોકો વિકાસ ભારત 2047 ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. ભારત અને અમેરિકા ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેલ અને ગેસ વેપારને મજબૂત બનાવશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર પણ ચર્ચા થઈ હતી. આ અંગે ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મને જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે મારા પ્રશાસને 2008ના મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે તેને તાત્કાલિક પરત મોકલવામાં આવી રહ્યો છે. ગયા મહિનાની શરૂઆતમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણ અંગેના આગામી પગલાંનું મૂલ્યાંકન કરી રહ્યું છે. અમેરિકા લાંબા સમયથી 26/11ના મુંબઈ હુમલાના કેસના ગુનેગારોની ન્યાયિક તપાસ માટે ભારતના પ્રયાસોને સમર્થન આપી રહ્યું છે.