લેબનોન :મંગળવારના રોજ લેબનોન અને સિરિયામાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના અડ્ડાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં આઠ લોકોના મોત થયા અને 2700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં સેંકડો હેન્ડહેલ્ડ પેજર્સમાં એક સાથે વિસ્ફોટ થયા હતા. જેમાં હિઝબોલ્લાહના સભ્યો, ઈરાની રાજદૂત અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. સરહદ પર વધી રહેલા તણાવને જોતા હિઝબુલ્લાએ આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જ્યારે ઇઝરાયેલી સેનાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
સેંકડો પેજર્સમાં વિસ્ફોટ :સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના (AP) અહેવાલ અનુસાર લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશમાં પેજર વિસ્ફોટને કારણે 8 લોકોના મોત થયા અને 2,750 લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહના એક અધિકારીએ જણાવ્યું હતું કે, લેબનોનના વિવિધ ભાગોમાં હેન્ડહેલ્ડ પેજર વિસ્ફોટ થતાં જૂથના સભ્યો સહિત સેંકડો લોકો ઘાયલ થયા હતા. સીરિયામાં કેટલાક હિઝબુલ્લાહ લડવૈયાઓ પણ ઘાયલ થયા, તેમની પાસે રહેલા પેજરમાં વિસ્ફોટ થયા હતા.
ઈરાની રાજદૂત પણ ઘાયલ :ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ જણાવ્યું કે, ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેજરના વિસ્ફોટથી ઘાયલ થયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિઝબુલ્લાહના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા હેન્ડહેલ્ડ પેજરની નવી બ્રાન્ડ વધુ ગરમ થઈ ગઈ, પછી વિસ્ફોટ થઈ. જેમાં હિઝબુલ્લાહના બે સભ્યો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા હતા. જોકે, આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તે સ્પષ્ટ નથી.
આઠ મોત, 2750 લોકો ઘાયલ :સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા પર વાયરલ વિડીયોમાં લેબનીઝ રાજધાની બેરુતના દક્ષિણી ઉપનગરોમાં ફૂટપાથ પર ઘાયલ લોકો પડેલા જોવા મળ્યા હતા. તેમના હાથ, ચહેરા અને પગ પર ઈજા થઈ હતી. પેજર વિસ્ફોટ પછી લેબનીઝ હોસ્પિટલોમાં ઇમરજન્સી રૂમ દર્દીઓથી ભરેલા છે. તેમાંથી ઘણા લોકોએ વિસ્ફોટમાં પોતાના અંગો ગુમાવ્યા અને કેટલાકની હાલત ગંભીર છે. મીડિયા અહેવાલો અનુસાર, અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને હેન્ડહેલ્ડ પેજર વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
પેજરથી દૂર રહેવા ચેતવણી :મીડિયા અહેવાલો અનુસાર અગાઉ હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે જૂથના સભ્યોને સેલફોન અથવા મોબાઇલ ફોન ન રાખવાની ચેતવણી આપતા કહ્યું હતું કે, ઇઝરાયેલ તેમની હિલચાલને ટ્રેક કરવા અને લક્ષ્યાંકિત હુમલાઓ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને ઇમરજન્સી દર્દીઓ અને પેજર ધરાવતા લોકોને તેમનાથી દૂર રહેવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે. સાથે જ આરોગ્ય કર્મચારીઓને વાયરલેસ ઉપકરણોનો ઉપયોગ ટાળવા પણ કહ્યું છે.
- બીજી વખત ટ્રમ્પની હત્યાનો પ્રયાસ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત બચ્યા
- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ISISના 4 આતંકીઓ રિમાન્ડ પર