ભોપાલ: 40 વર્ષ પહેલા 2-3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ અને ડાઉ કેમિકલ ફેક્ટરીઓમાંથી ઝેરી ગેસ લીક થયો હતો. આ ઘટનામાં લગભગ 22 હજાર લોકોના મોત થયા હતા. અને લગભગ 6 લાખ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. પરંતુ દુખની વાત એ છે કે વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના માટે જવાબદાર એવા ડાઉ કેમિકલ અને યુનિયન કાર્બાઈડના માલિકો અને અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. ગેસ પીડિતોએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પીડિત પરિવારોને નજીવા વળતર આપવામાં આવ્યું હતું.
યુએસ સંસદમાં નેશનલ કેમિકલ ડિઝાસ્ટર અવેરનેસ ડે ઠરાવ
ભોપાલ ગેસ દુર્ઘટનાની 40મી વર્ષગાંઠ પર 3 ડિસેમ્બરને રાષ્ટ્રીય રાસાયણિક આપત્તિ જાગૃકતા દિવસ (National Chemical Disaster Awareness Day) તરીકે ઉજવવા માટે યુએસ સંસદમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ સેનેટર જેફ માર્કલે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો પ્રમિલા જયપાલ અને રશીદા તાલેબે રજૂ કર્યો હતો. જેફ માર્કેલે કહ્યું, "રાસાયણિક આફતો હંમેશા સલામતી કરતાં નફાને પ્રાધાન્ય આપવાનું પરિણામ છે. ભોપાલ ગેસ દુર્ઘટનાએ લાખો જીવનનો નાશ કર્યો હતો. આજે પણ લોકો પર તેની નકારાત્મક અસર ચાલુ છે." તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 8 સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રસ્તાવમાં ગેસ પીડિતોને પૂરતા વળતરની માંગ કરાઈ
અમેરિકન સંસદમાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં ભોપાલ ગેસ દુર્ઘટના માટે ડાઉ કેમિકલ અને યુનિયન કાર્બાઈડને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પ્રમિલા જયપાલે કહ્યું, "ડાઉ કેમિકલે પીડિતોને વળતર આપવું જોઈએ. પરંતુ જવાબદારો હાથ ખંખેરી રહ્યા છે." તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત અને અમેરિકન સરકાર વચ્ચે પ્રત્યાર્પણ સંધિ માટે કરવામાં આવેલા પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. પરંતુ હવે અમેરિકન સંસદમાં પ્રસ્તાવ રજૂ થવાને કારણે ફરી એકવાર ગેસ પીડિતોમાં ન્યાયની આશા જાગી છે.