આણંદ: અમૂલ ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું સંચાલન કરતા કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા યુએસમાં 108 વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ - મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે જોડાણ કરવામાં આવ્યું છે.આ જાહેરાત ડેટ્રોઇટ ખાતે 20 માર્ચે તેમની વાર્ષિક બેઠકમાં કરવામાં આવી હતી. મને જણાવતા આનંદ થાય છે કે અમૂલ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તેની તાજી દૂધની પ્રોડક્ટ્સ લૉન્ચ કરશે.
જયેન મહેતાએ ANIને જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત છે કે અમૂલ તાજા ઉત્પાદનોની શ્રેણી ભારતની બહાર યુનાઈટેડ સ્ટેટ્સ જેવા માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ એક મજબૂત ભારતીય અને એશિયન ડાયસ્પોરા છે. તેમણે જણાવ્યું હતું કે, અમૂલ તાજેતરમાં તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમના વિઝનને અનુરૂપ બ્રાન્ડનું વિસ્તરણ અને સૌથી મોટી ડેરી બનવાની અમૂલ આશા રાખે છે. અમૂલની ઉદ્યોગ સાહસિકતાએ તેને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ્સ પૈકીની એક બનાવી છે.
સુવર્ણ જયંતિની ઉજવણી દરમિયાન સભાને સંબોધતા વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, 50 વર્ષ પહેલા ગુજરાતના ખેડૂતો દ્વારા રોપવામાં આવેલ એક છોડ આજે એક વિશાળ વૃક્ષ બની ગયું છે. અમૂલ ઉત્પાદનો વિશ્વના 50થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અમૂલ હેઠળ 18,000 દૂધ સહકારી સમિતિઓ છે. 36,000 ખેડૂતો અને પશુપાલકોનું નેટવર્ક છે. અમૂલ દરરોજ 3.5 કરોડ લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ કરે છે.