નવી દિલ્હી:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં જ છેતરપિંડીના કેસમાં દિગ્ગજ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર સામે સમન્સ જારી કર્યું છે. અભિનેતા ધર્મેન્દ્ર ઉપરાંત અન્ય બે લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ મામલો 'ગરમ ધરમ ઢાબા' ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છે.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (પ્રથમ વર્ગ) યશદીપ ચહલ દ્વારા જારી કરાયેલ સમન્સ, દિલ્હી સ્થિત વેપારી સુશીલ કુમારની ફરિયાદ પર આધારિત છે, જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી.
ન્યાયાધીશે 5 ડિસેમ્બરે પસાર કરેલા સમન્સ ઓર્ડરમાં જણાવ્યું હતું કે, "પ્રથમ દૃષ્ટિએ રેકોર્ડ પરના પુરાવા સૂચવે છે કે આરોપી વ્યક્તિઓએ તેમના ઇરાદાને આગળ વધારવા માટે ફરિયાદીને પ્રેરિત કર્યા હતા અને છેતરપિંડીના ગુનાના તત્વોને યોગ્ય રીતે જાહેર કરવામાં આવ્યા છે," જે પછી આરોપી વ્યક્તિઓ નંબર 1 (ધરમ સિંહ દેઓલ), 2 અને 3 ને કલમ 420, 120B કલમ 34 IPC હેઠળ ગુનો કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આરોપી નંબર 2 અને 3 ને પણ IPCની કલમ 506 હેઠળ ફોજદારી ધમકીના ગુના માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે," તમને જણાવી દઈએ કે, કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરી, 2025ના રોજ થશે.
9 ઑક્ટોબર, 2020 ના રોજ કોર્ટે એફઆઈઆર નોંધવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે ફરિયાદની નોંધ લીધી હતી અને ફરિયાદીને પુરાવા રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. ફરિયાદી સુશીલ કુમાર વતી એડવોકેટ ડીડી પાંડે હાજર રહ્યા હતા.
વેપારીને લાલચ આપીને છેતર્યાનો આરોપ:ફરિયાદીના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2018ના મહિનામાં સહ-આરોપીઓએ ઉત્તર પ્રદેશના NH-24/NH-9 પર ગરમ ધરમ ઢાબાની ફ્રેન્ચાઇઝી ખોલવાની દરખાસ્ત સાથે તેમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીને કથિત રીતે ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કનોટ પ્લેસ, દિલ્હી અને મુરથલ, હરિયાણામાં આવેલી રેસ્ટોરન્ટની શાખાઓ લગભગ રૂપિયા 70 થી 80 લાખનું માસિક ટર્નઓવર કરે છે. ફરિયાદીને વચન આપવામાં આવ્યું હતું કે, તેના રોકાણ પર સાત ટકા નફાની ખાતરીના બદલામાં તેને રૂપિયા 41 લાખનું રોકાણ કરવું પડશે. ફરિયાદીને એવું પણ વચન આપવામાં આવ્યું હતું કે, તેને ઉત્તર પ્રદેશમાં ફ્રેન્ચાઇઝી સ્થાપવા માટે સંપૂર્ણ મદદ મળશે. આ સંદર્ભે ફરિયાદી અને સહ-આરોપી વચ્ચે અનેક ઈ-મેઈલની આપલે પણ થઈ હતી. ઉપરાંત ઘણી બેઠકો પણ થઈ હતી. તમને જણાવી દઈએ કે, કનોટ પ્લેસ સ્થિત "ગરમ ધરમ ઢાબા" ની બ્રાન્ચ ઓફિસમાં ફરિયાદી, તેના વેપારી સહયોગીઓ અને સહ-આરોપીઓ વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી.