નવી દિલ્હી:ઈન્કમ ટેક્સમાં ઘટાડા થયાના થોડા દિવસો બાદ મધ્યમ વર્ગ માટે વધુ એક સારા સમાચાર છે. આરબીઆઈ (RBI) MPC દ્વારા વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કર્યા બાદ તેમના EMI બોજમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. નવા લોન લેનારાઓ માટે પણ હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન ટૂંક સમયમાં સસ્તી થવા જઈ રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.25 % કર્યો છે. RBI દ્વારા પાંચ વર્ષમાં આ પ્રથમ વાર દરમાં ઘટાડો છે, આ પહેલા 1 મે, 2020 માં ઘટાડો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, રેપો રેટ એ એક એવા પ્રકારનો દર છે જેના પર RBI અન્ય બેંકોને લોન આપે છે.
5 વર્ષ પછી પરિવર્તન આવ્યું:કોવિડ (મે 2020) પછી આરબીઆઈ RBI દ્વારા આ પ્રથમ વ્યાજ દરમાં ઘટાડો થયો છે. મે 2020 અને એપ્રિલ 2022 ની વચ્ચે, RBIએ રેપો રેટને 4 % પર યથાવત રાખ્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2022 થી પોલિસી દરો વધવા લાગ્યા અને ધીમે ધીમે તેને ફેબ્રુઆરી 2023 સુધીમાં 6.5 ટકા સુધી વધારી દીધા, ત્યારબાદ તેને બે વર્ષ સુધી યથાવત રાખવામાં આવ્યા હતા.
તમે કેટલું બચાવશો?ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે 20 વર્ષના કાર્યકાળ માટે 8.5 ટકાના વ્યાજ દરે રૂપિયા 50 લાખની હોમ લોન લીધી છે. 25 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે તમારો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. તે તમારા માસિક EMI ને કેવી રીતે અસર કરે છે?
- જૂની EMI (8.5% પર) – રૂપિયા 43,059
- નવી EMI (8.25% પર): રૂપિયા 42,452
આમ, તમે દર મહિને લગભગ 607 રૂપિયા બચાવી શકશો. એક વર્ષ દરમિયાન, કુલ 7,284 રૂપિયાની બચત થશે.