મુંબઈ :19 એપ્રિલ, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. જોકે બાદમાં બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં બંધ થયું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 599 પોઇન્ટ વધીને 73,088 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 151 પોઇન્ટ વધીને 22,247 પર બંધ થયો હતો.
નીચલા સ્તરથી શાનદાર રિકવરી :કારોબારી સપ્તાહના છેલ્લા ચાર દિવસની વેચવાલીને બ્રેક લાગી અને ટ્રેડિંગ સેશનમાં શેરબજાર વધારા સાથે બંધ થયું છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં તેજી જોવા મળી હતી. IT, રિયલ્ટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આજે જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી હતી. પહેલા સમાચાર આવ્યા કે ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો, આ પછી નિફ્ટી 21,777 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. બાદમાં ઈરાને હુમલાના સમાચારને નકારી કાઢ્યા અને નિફ્ટીએ નીચલા સ્તરેથી લગભગ 370 પોઈન્ટની રિકવરી નોંધાવી હતી.
BSE Sensex : આજે 19 એપ્રિલ, શુક્રવારના રોજ BSE Sensex ગત 72,488 ના બંધ સામે 489 પોઈન્ટના કડાકા સાથે 71,999 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 71,816 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે 1394 પોઈન્ટની રિકવરી સાથે 73,210 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 599 પોઇન્ટ વધારો નોંધાવી 73,088 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.